દિવ્યાંગો માટે અમદાવાદમાં ફેશન શોનું  આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

2010માં શરૂ થયેલી સંસ્થા વ્યોમ વોલેન્ટિયર્સનું નેટવર્ક ડેવલપ કરે છે. જે યુવાનો, બાળકો, દિવ્યાંગો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય કરે છે. સાથે શાળાઓના વિકાસ માટે પણ વ્યોમ કાર્યરત છે. આ ઉપરાંત એનજીઓને તેમની કાર્યક્ષમતા વધારવા અને સર્વાંગી વિકાસ માટેની તક પણ પુરી પડે છે. વ્યોમ દ્વારા દિવ્યાંગો માટે આયોજિત ‘આરંભ’ ફેશન શૉ નું આયોજન 9 માર્ચ 2019 ના રોજ 6.30 વાગ્યે એમ્પીથીએટર, વસ્ત્રાપુર લેક, અમદાવાદ ખાતે  કરવામાં આવ્યું છે.

વ્યોમ દ્વારા આરંભ પ્રોજેક્ટ અંતર્ગત ફેશન શો ‘ આરંભ ‘ દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવ્યો છે. દિવ્યાંગો વધુ કાર્યસક્ષમ  છે તે વાતને દિવ્યાંગો અને સામાન્ય નાગરિકો વચ્ચે પુરવાર કરતો ફેશન શો છે. રેમ્પ પર જતા પહેલા દિવ્યાંગોને વિશેષ તાલીમ આપી તેમનું ગ્રૂમિંગ પણ કરવામાં આવે છે.પ્રથમ વર્ષે વડોદરામાં સફળ પ્રયોગ બાદ બીજા વર્ષે આરંભનું આયોજન આમદાવાદ ખાતે થઈ રહ્યું છે. ફેશન માત્ર સામાન્ય નહિ પરંતુ દિવ્યાંગો માટે પણ છે તે વાતને આરંભ પુરવાર કરે છે.

આરંભમાં વિશેષ વાત એ પણ છે કે દિવ્યાંગો માટેના રેમ્પ વોકના કોસ્ચ્યુમ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગની ત્રણ સંસ્થાઓ સ્કાયબ્લ્યૂ  આમોર અને આઇએનઆઇએફડીના વિધાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.દિવ્યાંગો (મોડેલ) ની જે પ્રકારની દિવ્યાંગતા હોય તે પ્રમાણે કોસ્ચ્યુમ્સ ડિઝાઇન થયા છે. 50 દિવ્યાંગોની સુગમતાને ધ્યાનમાં રાખી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ્સના 50 વિદ્યાર્થીઓએ આ કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કર્યા છે.ફેશન શો “આરંભ ” દ્વારા શહેરીજનોની દિવ્યાંગો તરફથી સંવેદનશીલતામાં વધારો થાય તે જ તેનો હેતુ છે.

અમદાવાદમાં ધણી જગ્યાઓ એવી છે કે દિવ્યાંગોની આવજાહી માટે સરળતા ધરાવતી નથી. અમદાવાદના લોકો પણ દિવ્યાંગોની સુગમતામાં વાકેફ અને સામેલ થઇ તેમની આ જરૂરિયાત માટે મક્કમ પગલાં ભરે કે ભરાવે તે આશયથી ફેશન શો “આરંભ ” અમદાવાદ ખાતે યોજવામાં આવી રહ્યો  છે.

આરંભ નો ઉદ્દેશ્ય : દિવ્યાંગોને  પડતી તકલીફો અને સક્ષમતા બંને અંગે નાગરિકોને જાગૃત કરવા.
દિવ્યાંગોની સુરક્ષિત અને સ્વતંત્ર આવજાહી માટે શહેરમાં સુયોગ્ય વ્યવસ્થા થાય.
સમાજમાં દિવ્યાંગોનો માનભેર સ્વીકાર થાય તેવી જાગૃતતા ફેલાય।
ફેશન દિવ્યાંગો માટે પણ છે તેવો દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધે.

Share This Article