રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે જુલાઈ માસ સુધીમાં ૪૦૧.૪૪ મી.મી. (૪૮.૩૧%) મી.મી. વરસાદ થયેલ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતી ઉભી થઇ છે. જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરોના ઉભા પાક્માં પાણી ભરાઇ જતાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઉભી થવા પામી છે. આવા સંજોગોમાં ઉભા પાક્ને બચાવવા તથા પાક સંપુર્ણ નિષ્ફળ ગયો હોય ત્યાં તથા નવા પાક્નું વાવેતર ક્રવા ખેતી નિયામક દ્વારા ભલામણ ક્રાઇ છે.
ખેતી નિયામકની યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, ઉભા પાક્ને બચાવવા માટે શક્ય તેટલી ઝડપે ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ ક્રવો જેથી પાક બચાવી શકાય. ઉભા પાકમાં રોગગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાખવા. આંતરપાક પધ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો. વરાપ થયેથી પુન: આંતરખેડ કરવી. જેથી પાકને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે અને પાકનો યોગ્ય વિકાસ થાય. સુકારા અને મૂળખાઇ જેવા રોગથી પાકને બચાવી શકાય. વરસાદ રોકાય ત્યારે ઉભા પાક્ની અવસ્થાને ધ્યાને લઇ પૂરતો ખાતરનો હપ્તો આપવો તથા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ ક્રવો. ગંધક તત્વની ઉણપવાળા વિસ્તારોમાં પૂર્તી ખાતર તરીકે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ આપવું.
મગફળીના પાક્માં લોહ તત્વની ઉણપના કારણે પાન પીળા પડી ગયેલ હોય તો ૧૦ લી. પાણીમાં ૫૦ ગ્રામ હીરાક્શી (ફેરસ સલ્ફેટ) અને ૨૫ મી.લી. ચુનાનું દ્ગાવણ ભેળવીને છંટકાવ ક્રવો. ગેરૂ અને ટીક્કા રોગના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ અથવા મેન્કોઝેબ -૨૫ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૫ ગ્રામ પૈકી કોઇ એક્ દવાનો છંટકાવ ક્રવો અને જરૂર જણાય તો વારા ફરતી ૧૦-૧૨ દિવસના અંતરે ફરી છંટકાવ ક્રવો.
કપાસના પાક્માં ચુસિયા તથા ઇયળ વર્ગની જીવાતનો ઉપદ્રવ જણાય તો મોનોક્રોટોફોસ ૧૦ મી.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મૂળખાઇના રોગના નિયંત્રણ માટે ઝાયનેબ ૨૫ ગ્રામ, મેન્કોઝેબ ૨૫ ગ્રામ પ્રમાણે ઓગાળી દ્રાવણ છોડના મૂળમાં રેડવું. વધુ વરસાદથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થઇ ગઇ હોય તો રીલે પાક તરીકે દિવેલા અથવા તુવેર ઓગષ્ટ માસના અંત સુધીમાં વાવેતર કરી શકાય.
જે ખેડુતોએ ડાંગરનુ ધરુ રોપ્યું છે ત્યાં રોપણી કાર્ય પૂર્ણ કરી દેવું અને જે ખેડુતોએ ધરૂ ન રોપ્યું હોય ત્યાં ફણગાવેલ બીજથી/શ્રી પદ્ધતિ અથવા ચપકા પદ્ધતિનો ઉપયોગ કરવો. ઓરાણ ડાંગર માટે જી.આર-૫, ૮, અને ૯ નું વાવેતર કરવુ. ડાંગરની ક્યારીમાં ૫ સેમી કરતા વધારે પાણી ભરાયેલ હોય તો ૫ સેમી જેટલું પાણી રાખી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. ડાંગરમાં પાનના સુકારાના રોગના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં અડધો ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લીન, ૫ ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ દવા ભેળવીને છંટકાવ ક્રવો. ડાંગરમાં ગાભમારાની ઇયળ, પાન વાળનારી ઇયળ, ડાંગરના ચુસિયા વગેરેના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ક્વીનાલફોસ-૨૦ મી.લી, કાર્બારીલ ૪૦ ગ્રામ પૈકી કોઇ એક્ દવાનો છંટકાવ ક્રવો. ડાંગર તથા અન્ય પાક્માં જયાં જસત (ઝીંક્) તત્વની ઉણપ જણાય ત્યાં ૧૦ લીટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક્ સલ્ફેટ અને ૨૫ મી.લી. ચુનાનું દ્રાવણ ભેળવીને છંટકાવ ક્રવો. પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય તો, ધરુ ઉપલબ્ધ હોય તો ફેરરોપણી કરવી અથવા ડાંગરની વહેલી પાકતી જાતો ગુર્જરી, જી.આર.૭, જી.આર.૧૨, મહીસાગર તથા જે.એ.આર.-૧૩ નું ફણગાવેલ બીજ હેક્ટરે ૫૦ કિ.ગ્રા. મુજબ કાદવ પાડેલ ખેતરમાં પુંખવું. વધુમાં ડાંગરની અવેજીમાં તુવેર, જુવાર, મગ, અડદ જેવા પાકો લઈ શકાય.
જો પુન:વાવેતર કરવાની સ્થિતિ ઉભી થાય તો ટૂંકાગાળાના પાકોનું વાવેતર કરવું, ઘાસચારાના પાકો તરીકે મકાઈ, જુ઼વાર (ગુંદરી, સોલાપુરી), કઠોળ પાકો- મગ(કે-૮૫૧, ગુજરાત મગ-૪), મઠ(ગુજરાત મઠ-૨), અડદ(ગુજરાત અડદ-૧), ગુવાર (ગુજરાત ગુવાર-૨), તુવેર વગેરે જેવા પાક, દિવેલા, તલ(પૂર્વા) અને શાકભાજી જેવા પાકોનુ વાવેતર ક્રવું. ઉંચાણવાળા ખેતરોમાં તલ ગુજરાત-૧ અને તલ ગુજરાત-૨નું વાવેતર કરી શકાય. ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી ઘાસચારાના પાકો હેઠળનો વિસ્તાર વધારવો. ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો અને જાળવણી માટે તાડપત્રીનો ઉપયોગ કરવો. દિવેલામાં પિયત વિસ્તાર માટે સુકારા પ્રતિકારક જાત દિવેલા જી.સી.એચ.-૭ નું અને બિન-પિયત વિસ્તારમાં દિવેલા જી.સી.એચ.-૨ નું વાવેતર કરવું.
શાકભાજીના પાકોમાં રીંગણ, મરચા, અને ટામેટા જેવા ધરૂ ઉછેરથી થતા પાકોમાં અતિવૃષ્ટિના કારણે જો ધરૂ નિષ્ફળ ગયેલ હોય તો, ફરીથી ધરૂ નાંખી સપ્ટેમ્બર માસ સુધીમાં ફેર રોપણી કરી શકાય. ધરૂ ઉછેર પ્લગ ટ્રે નર્સરીથી પણ કરી શકાય છે. જો ખેતરમાં વાવેલ પાકમાં પાણીનો ભરાવો થઇ ગયેલ હોય તો પાળા તોડી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. હાલની પરિસ્થિતિમાં ખેતીમાં નિષ્ફળ ગયેલ પાકની જગ્યાએ વેલાવાળા શાકભાજી, ગુવાર તેમજ ભીંડા જેવા શાકભાજીના પાકો ફરી લઇ શકાય. પાકમાં રોગ અને જીવાતના પ્રશ્નો ઉદભવેલ હોય તો સંબંધિત કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર અને રોગશાસ્ત્ર વિભાગ, સંશોધન કેન્દ્ર, કે.વી.કે. અથવા ખેતીવાડી ખાતાનો સંપર્ક કરવો.
વાવણી માટે જુદા-જુદા પાકો માટેનો બિયારણનો જથ્થો રાજ્યમાં હાલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જે ગુજરાત રાજય બીજ નીગમના અથવા લોકલ વિક્રેતા/સંસ્થાઓ પાસેથી સર્ટીફાઈડ બિયારણ ખરીદી કરી વાવણી કરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.