ધનરાજ પરિમલ નથવાણી આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. નથવાણી, જેમણે ઉપપ્રમુખનું પદ સંભાળ્યું હતું, તેઓ હવે અમિત શાહ દ્વારા ખાલી પડેલી જગ્યા સંભાળશે, જેઓએ જીસીએ પ્રમુખ તરીકે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.
જીસીએ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં હતી કે તાત્કાલિક અસરથી શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી અનિલભાઈ પટેલ સેક્રેટરી, શ્રી મયુરભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી અને શ્રી ભરત ઝવેરી ટ્રેઝરર બનશે.
પોતાની નિમણૂક પર ટિપ્પણી કરતા, નથવાણીએ જણાવ્યું, “હું જીસીએના પ્રમુખ તરીકે મારી નિમણૂકને એક મોટુ સન્માન માનું છું. મને ગુજરાતમાં ક્રિકેટની ઉમદા રમતની સેવા કરવાની તક આપવા બદલ હું અમારા ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ, જય શાહ અને એસોસિએશનના સભ્યોનો આભાર માનું છું. હું ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રમતગમતનો ફેલાવો કરવા અને માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને જમીની સ્તરે પ્રતિભાશાળી છોકરા-છોકરીઓ માટે તકો ઊભી કરવાની દિશામાં કામ કરવા માટે સંકલ્પબદ્ધ છું.”
એક ઉત્સાહી ક્રિકેટપ્રેમી અને રમતપ્રેમી એવા નથવાણીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે વિશ્વમાં તેના પ્રકારનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જે 63 એકરમાં ફેલાયેલું અને 1.3 લાખથી વધુ ચાહકો માટે બેઠક ક્ષમતા ધરાવે છે.લંડનમાં રીજન્ટ્સ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કર્યો છે તેવા નથવાણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી કોર્પોરેટ લો અને પબ્લિક રિલેશંસ મેનેજમેન્ટમાં વિશેષજ્ઞતા સાથે એમબીએ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને તેની વિંગ હેઠળ એક કેન્દ્રશાસિત પ્રદેશ સાથેનું સંચાલન કરતી સંસ્થા છે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલી સામેલ છે. જીસીએ બીસીસીઆઈનું કાયમી સભ્ય છે.