મિત્રો, ટુંક જ સમયમાં ગણેશ ચતુર્થીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, જે મહારાષ્ટ્રનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ભારતમાં ખૂબ જ ધામ ધૂમથી અને ધમાલ સાથે તહેવારને ઉજવવામાં પણ આવે છે.
હવે તો માત્ર મહારાષ્ટ્રનો તહેવાર ન રહેતા ભારત ભરમાં દરેક સ્થળે, ઘરે ઘરે ખૂબ જ ધામ ધૂમથી આ તહેવારને મનાવવામાં આવે છે. અને લોકો ગણેશજીને જ્યારે ઘરે લાવે છે ત્યારે તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરે છે. હવે તો જુદી જુદી રીતના ડેકોરેશન પણ થતું જોવા મળે છે. આ પ્રસંગે શણગારને લગતા કોઈ કડક નિયમો બનાવવામાં આવ્યા નથી. તે સારું છે કે તમે તમારા ઘરને અનન્ય અને રચનાત્મક રીતે સજાવી શકો છો.
આ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશ માટે એવી રીતે શણગાર કરો કે જેનાથી આખું વાતાવરણ ભક્તિમય બને અને તમારા મિત્રો અને સંબંધીઓ તેને જોવે તો જોતા જ રહી જાય. તો ચાલો તમને થોડા આઇડીયા આપીએ જે તમને તમારા ગણપતિને વિશેષ રીતે શણગારવા મદદરૂપ થશે.
ઇકો ફ્રેન્ડલી શણગાર
આજકાલ ગણેશજીની મૂર્તિને પણ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓથી શણગારવામાં આવે છે. જેનાથી તેમના વિસર્જન સમયે પાણી ગંદુ થતુ નથી. તેને ધ્યાનમાં રાખીને, તમે આ વખતે ગણેશ પૂજામાં ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી શકો છો. તમે ગણેશજીના સિંહાસન અને ઘરને સજ્જ કરવા માટે પ્રાકૃતિક વસ્તુઓ જેવી કે વૃક્ષો અને ફૂલો વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમે કેટલીક રિસાયકલ કરેલ વસ્તુઓથી પણ ગણેશની સજાવટ કરી શકો છો.
માટીના દીવાઓથી
લાઈટ્સ તમારા ડેકોરેશનને વધારે ચમકદાર બનાવી શકે છે. આજકાલ તમને બજારમાં ઘણી સુંદર લાઇટ્સ મળશે અથવા તમે તેને ઓનલાઇન પણ ખરીદી શકો છો. જો કે, આ લાઇટ્સ ખરીદતા પહેલા, ખાતરી કરો કે તે તમારા ઘરની સજાવટ સાથે પણ મેચ કરશે. રેડીમેડ લાઇટ્સને બદલે, તમે લેમ્પ્સ અથવા માટીના દીવાઓથી પણ પ્રકાશ કરી શકો છો.
વપરાશ કરેલ વસ્તુઓથી
લાકડા, જૂના કપડા, કાચની બરણી અને ફોટો ફ્રેમ વગેરે જેવી વસ્તુઓને ફેંકી ન દેતા, ફરીથી તેનો ઉપયોગ કરીને, તમે તમારા ઘરની સજાવટ કરી શકો છો. આ ફક્ત તમારા પૈસા જ બચાવશે નહીં પરંતુ નકામી વસ્તુઓનો ઉપયોગમાં પણ લઇ શકાય છે. તમે ઘરની કોઈપણ વસ્તુનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમારા સર્જનાત્મક ગુણો આ કાર્યમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે.
થર્મોકોલ શણગાર
ગણપતિને સજાવવા માટે આ એક ખૂબ જ અનોખી રીત હોઈ શકે. તમારે આ માટે થર્મોકોલ શીટ્સની જરૂર છે. આ થર્મોકોલ સીટ પર તમને ગમતા સુંદર આકારો બનાવો અને પછી તેને છરીથી કાપી દો. થર્મોકોલની સજાવટ ખૂબ જ આકર્ષક અને અનોખી લાગશે.
થીમ બેઇઝ
તમે ઘણા પ્રકારનાં થીમ્સ અપનાવી શકો છો – જંગલ થીમ, વિશ્વના સાત અજાયબીઓ, એક્વા થીમ વગેરે. ધારો કે તમારી થીમ પ્રકૃતિની છે, તો પછી તમે ધોધ, પર્વતો, નદીઓ અને જંગલો વગેરે બનાવી શકો. તે ઉપરાંત સૂકા ઘાસની મદદથી ઝૂપડી પણ બનાવી શકો, સાથે સાથે સાડીની મદદથી પણ સારી એવી સજાવટ કરી શકો છો. બલૂનથી પણ સજાવટ થઇ શકે.
ફૂલ શણગાર
હિન્દુ ધર્મમાં ફૂલોનું ખૂબ મહત્વ રહેલું છે. પૂજા સાથે ફૂલોનો ઉપયોગ ઘણા તહેવારોમાં ડેકોરેશન માટે પણ થાય છે. તમે તમારા ઘરને રંગબેરંગી ફૂલોથી સજાવટ કરી શકો છો. તમે ફૂલોનો બગીચો પણ ગોઠવી શકો છો અને ગણપતિ પણ સેટ કરી શકો છો. ફૂલોની સજાવટ હંમેશા સુંદર લાગે છે.