અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૯માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કચ્છમાં રક્ષ વન લોકાર્પણથી કરાવતા જાહેર થયું હતું કે, આગામી ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં નદી, તળાવોના કિનારા સંઘન વૃક્ષારોપણ ઝુંબેશથી જલક્રાંતિ પછી ગુજરાત હરિયાળી ક્રાંતિનો પથ કંડારશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તળાવો, ચેકડેમ ઉંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે ૧૧ હજાર લાખ ઘન ફુટથી વધુ વરસાદી જળના સંગ્રહની ક્ષમતા આપણે વિકસાવી છે. હવે નદી તળાવોના કિનારે સઘન વૃક્ષારોપણ ઝુંબેશથી ગુજરાતને લીલુંછમ બનાવશું. મુખ્યમંત્રીએ આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ૬૯માં વન મહોત્સવનો પ્રારંભ રક્ષકવનના લોકાર્પણથી કરાવ્યો હતો. રાજ્યના અત્યાર સુધી નિર્માણ પામેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી વિશાળ ૯.૪ હેક્ટરમાં પથરાયેલું આ રક્ષક વન ૧૯૭૧ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભાંગી ગયેલી ભુજની હવાઈ પટ્ટી માધાપરની બહેનોએ રાતોલાત શ્રમશક્તિથી પુનર્જિવિત કરી મા ભોમનું રખોપુ કર્યું તેની યાદમાં રક્ષકવન નામ પામ્યું છે.
વિજય રૂપાણીએ ગુજરાતે વન સાથે જન જાડીને વનમહોત્સવને જન મહોત્સવ બનાવ્યો છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, ગુજરાત વન વિસ્તાર સિવાયના વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ૪.૦૬ વિસ્તાર સાથે અગ્રેસર રહ્યું છે. દેશમાં આ વિસ્તાર ૨.૮૭ ટકાનો છે. તેમણે રાજ્યમાં ૧૮ જેટલા સાંસ્કૃતિક વનોથી વનવિભાગે ૨૦૧૭ સુધીમાં ૩૪.૩૫ કરોડ વૃક્ષો વન સિવાયના વસિતરામાં ઉછેર્યા છે. છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વૃક્ષ, પર્યાવરણ જનત અને વરસાદ માટે અનિવાર્ય અંગ છે, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, રાજ્યમાં સર્વાંગી વિકાસની નેમ સાથે ઉદ્યોગ વિકાસ સાથોસાથ વનોનો પણ વિકાસ પણ કર્યો છે અને છેલ્લા બે વર્ષમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ૯૭૦૦ હેક્ટરની વૃદ્ધિ થઇ છે.
તેમણે વૃક્ષમહિમા સાથે રાજ્યમાં જળક્રાંતિનો પણ મહિમા કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, કચ્છ સહિતના ખારાશવાળી જમીન ધરાવતા અને દરિયાઈ વિસ્તારોમાં સમુદ્રના પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવવા ૧૦ ડિસેલિનેશન પ્લાન રાજ્યમાં સ્થાપવા છે. જામનગરના જાડિયા તથા કચ્છમાં આ પ્રકારના ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપનાની કામગીરી શરૃ થયા બાદ અન્ય વિસ્તારોમાં પણ આવા ડિસલિનેશન નિર્માણથી રાજ્યમાં પીવાના પાણીના સંકટને અવસરમાં ફેરવશું તેમ તેમણે જણાવ્યું હતું. વિજય રૂપાણીએ આ રક્ષકવનથી કચ્છમાં નવી ટુરિઝમ સર્કિટ ઉભી થઇ છે તેમ જણાવી રક્ષક વન દેશ અને વિદેશના રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે રાષ્ટ્રભભક્તિની પ્રેરણા આપતું એક આગવું પ્રવાસન ધામ પણ બનશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડવા દેવાય એવી ખાતરી આપતા તેમણે કહ્યું હતું કે, ટપ્પર ડેમ ફરી નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને તાલુકા મથકે ઘાસના ડિપો ખોલી રૂપિયા બે પ્રતિ કિલોએ ઘાસ આપવામાં આવશે.