સાચી રીતે ઉજવી “ફ્રેન્ડશીપ ડે”નો તહેવાર
ચાલો, સાચવીએ આપણે દોસ્તીનો વ્યવહાર.
દોસ્તો ખરેખર.. જોવા જઈએ તો “ફ્રેન્ડશીપ ડે”નો પ્રારંભિક ઈતિહાસ સારો નહોતો! મારા લેખનો પ્રારંભ જોઈ તેને “ફ્રેન્ડશીપ ડે” વિરોધી માની લેવાની ભૂલ ન કરી બેસતા! કારણ દોસ્તો અને દોસ્તી સાથે જોડાયેલ કોઇપણ બાબત મારા માટે અમુલ્ય છે. ત્યારે દોસ્તીના પ્રતિકરૂપ ઉજવાતા આ ઉમદા દિવસ વિષે હું નેગેટીવ કેવી રીતે લખી શકું? અણીશુદ્ધ દોસ્તીના પ્રતિકરૂપ ઉજવાતા “ફ્રેન્ડશીપ ડે” પ્રત્યે મને ખૂબ પ્રેમ તથા આદર છે પરંતુ આ પવિત્ર દિવસના બહાને યુવાપેઢીમાં જે ગેરવર્તણુક પ્રસરી છે તે બદલ મને ભારોભાર નફરત તથા રોષ છે તેથી જ લેખની શરૂઆતમાં જ હું સ્પષ્ટતા કરું છું કે…
“ફ્રેન્ડશીપ ડે” અવસર છે પરમ મિત્રોને યાદ કરવાનો
નથી આ અવસર નવા પ્રેમ-સંબંધોને વિકસાવવાનો.
ઉપરોક્ત સ્પષ્ટતા બાદ હું મારા લેખની શરૂઆત કરીશ કે દોસ્તો “ફ્રેન્ડશીપ ડે”નો પ્રારંભ કે આશય કોઈ સારો નહોતો. ૧૯૩૦માં હોલમાર્ક કાર્ડના સ્થાપક એવા જોયસ હોલે તેના કાર્ડ વેચાણના આશયથી આ “ડે”ની શરૂઆત કરી હતી. તેનો હેતુ હતો કે ૨ ઓગસ્ટના રોજ બધા લોકો રજા પાળી મિત્રતા દિવસની ઉજવણી કરે તથા એકબીજાને મળી તેની કંપનીના “મિત્રતા કાર્ડ” દ્વારા શુભેચ્છા આપે. શરૂઆતમાં તેના કાર્ડ વેચાણનો આ કીમિયો એટલો તો સફળ રહ્યો કે ઈ.સ. ૧૯૩૫માં યુનાઈટેડ સ્ટેટ્સ કાંગ્રેસે ઓગસ્ટના પહેલા રવિવારે મિત્રતા દિવસ મનાવવાની ઘોષણા કરી દીધી, પરંતુ ત્યારબાદ હોલની કાર્ડ વેચાણની ચાલાકી ત્યાંના સુશિક્ષિત અને સમજદાર એવા ગ્રાહકોના ધ્યાનમાં આવી ગઈ અને તેમણે “ફ્રેન્ડશીપ ડે”ને “કાર્ડ્સ વેચાણનો ગંદો વ્યાપારી ખેલ” એમ કહી વખોડી કાઢ્યો. માત્ર દસ વર્ષની ટૂંકી અવધિમાં જ હોલના તમામ પાસા ઉંધા પડ્યા અને ઈ.સ. ૧૯૪૦ સુધીમાં યુ.એસ.માં મિત્રતા દિવસના કાર્ડના વેચાણમાં ખૂબ ઘટાડો થઇ ગયો અને મોટાભાગના લોકોએ રજા પાળવાની પણ બંધ કરી દીધી. છેવટે યુરોપભરમાં “ફ્રેન્ડશીપ ડે”ની ઉજવણીનો અંત આવ્યો!
કાર્ડ વેચનાર કંપનીઓનો “વિકસિત દેશોમાં” દાવ અસફળ રહેતા તેમણે એશિયાના અલ્પ-વિકસિત દેશોમાં પોતાની જાળ બીઝાવી. અહીં વ્યાપાર કરવામાં તેઓ સફળ રહ્યા કારણકે વિકસિત દેશોની નકલ કરવાની ઘેલછામાં તેમની જાળમાં ત્યાંના લોકો આબાદ ફસાયા. આમ, યુરોપમાં મૃત્યુ પામેલ “ફ્રેન્ડશીપ ડે” વર્ષો બાદ એશિયામાં પુનઃજીવિત થયો. જેમાં ભારત, મલેશિયા અને બાંગ્લાદેશ મુખ્ય દેશો હતા.
આમ, મૂળ ફ્રેન્ડશીપ ડેનો આશય ઉમદા નહોતો, પરંતુ છેક ઈ.સ. ૧૯૫૮માં પહેલીવાર “ફ્રેન્ડશીપ ડે”ની સાચા અર્થમાં શરૂઆત થઇ. બન્યું એવું કે એકવાર પેરાગ્વેના ડો. અરતેમિયો બ્રાચોએ તેમના “પ્યુર્ટો પેનાસ્કો”માં રહેતા મિત્ર સાથે ભોજન કરતી વેળાએ એક એવા દિવસને મનાવવાનો વિચાર મુક્યો કે જે “આંતરરાષ્ટ્રીય મિત્રતાના સબંધની” ઉજવણી કરતો હોય. ત્યારબાદ ૩૦ જુલાઈ ૧૯૫૮ના રોજ સૌથી પહેલો કે જે સાચી મિત્રતાના સબંધને જાળવવાના આશયથી બનાવ્યો હોય તેવા “આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે”ને પૈરાગ્વેમાં જ ઉજવવામાં આવ્યો. ત્યારબાદ ફ્રેન્ડશીપ ડેની ઉજવણીને સન્માનિત કરવાના ઉદ્દેશથી યુએન સેક્રેટરી જનરલ કોફી અન્નાનની પત્ની નેન અન્નાનએ ૧૯૯૮માં “વિનિ દ પૂહ” ને દુનિયાનો “ફ્રેન્ડશીપ એમ્બેસેડર” ઘોષિત કર્યો હતો. આ આખો કાર્યક્રમ યુ.એન પબ્લિક ડીપાર્ટમેન્ટ તથા ડીઝની એન્ટરપ્રાઈઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે “વિની દ પૂહ” એ A. A. Milne. નામના લેખક દ્વારા સર્જિત એક કાલ્પનિક “ટેડી બીઅર”નું નામ છે. આ દિવસ બાદ ફ્રેન્ડશીપ ડે કાર્ડમાં તથા દોસ્તીના સુવાક્યોમાં “વિની દ પૂહ”ના નામનો સિક્કો ચાલવા લાગ્યો.
હાલ, ૩૦ જુલાઈને બદલે ઓગસ્ટ મહિનામાં આવતા પહેલા રવિવારે આ દિવસની આંતરરાષ્ટ્રીયસ્તરે ઉજવણી કરવામાં આવે છે. જેને ભારતે સહર્ષ સ્વીકારી છે પરંતુ બ્રાઝીલ, આર્જેન્ટીના, ઇક્વાડોર અને રૂગ્વે જેવા દેશોમાં પ્રત્યેક વર્ષની ૨૦ જુલાઈ એ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે.
ભારતમાં “ફ્રેન્ડશીપ ડે”ની આ ઉમદા ઉજવણીને ઈ.સ. ૧૯૯૮માં એવું ગ્રહણ લાગ્યું કે જેની આડઅસર નીચે હજુપણ દેશની યુવાપેઢી છે. ચલચિત્રો યુવાપેઢીની માનસિકતા કેટલી હદ્દે બગાડી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ઈ.સ. ૧૯૯૮ની એ ઘટના છે જયારે “કુછ કુછ હોતા હૈ” ફિલ્મમાં “પ્યાર દોસ્તી હૈ” થીમ સાથે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી દેખાડવામાં આવી અને બસ પછી તો શું દેશની આખી યુવાપેઢી તેમના પરમમિત્રોને ભૂલીને પ્રેમના રંગમાં રંગી ગઈ! “ભાવતું તું ને વૈધે કીધું” જેવો ઘાટ સર્જાયો અને “ફ્રેન્ડશીપ ડે” જેવો દોસ્તીનો આ ઉમદા તહેવાર ડહોળાઈ ગયો, તેનો “દોસ્તી”નો મૂળ અને શ્રેષ્ઠ વિચાર જ ક્યાંક ખોવાઈ ગયો.
ફ્રેન્ડશીપ ડેની જેમ જ દુનિયાભરમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વિમિંજ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે, પરંતુ આ દિવસની કોઈને હજુ સુદ્ધા ભનકે નથી! કારણ આ વિષય હજુ સુધી કોઈ ચલચિત્રમાં આવ્યો નથી ને!
યાદ રાખો મિત્રો “ફ્રેન્ડશીપ ડે” માત્ર અને માત્ર આપણા પરમ મિત્રોને યાદ કરવાનો દિવસ છે નહી કે નવા પ્રેમ પ્રકરણને અંકુરણ પમાડવાનો. મારો આ વિચાર જુનવાણી નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ દિવસની કેળવણીનો છે.
આમ તો મિત્રતા માત્ર એક જ દિવસની મોહતાજ ન હોય, આખી જિંદગી આ સંબંધ માટે ઓછી પડતી હોય છે. આપણા દેશમાં દોસ્તીની મહતા વર્ષોથી છે. પ્રાચીન સમયમાં ભગવાન રામે દોસ્તી ખાતર જ સુગ્રીવની મદદ કરી હતી ને! વળી કૃષ્ણ સુદામાની દોસ્તીના તો આજેપણ ઉદાહરણ અપાય છે. તો પછી ફ્રેન્ડ શીપ ડે ની ઉજવણી આપણે કેમ કરવી?
ઉપરોક્ત પ્રશ્નના જવાબમાં સૌપ્રથમ દુનિયાભરમાં આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તે જાણી લો, દોસ્તો આ દિવસને સામાન્ય ન ગણશો. આપણી જેમ જ અન્ય દેશોમાં પણ દોસ્તી સદાય માટે જ છે. પરંતુ “ફ્રેન્ડશીપ ડે” નિમિતે તેઓ પરમમિત્રોને યાદ કરી તેમણે નિભાવેલી શ્રેષ્ઠ દોસ્તીને માન, સન્માન અને પુરસ્કાર આપે છે! વર્ષમાં એકવાર દોસ્તીને લાગણી ભીનું ખાતર આપીને તેને હજુ પ્રગાઢ બનાવે છે.
જી હા, દોસ્તો, દુનિયાના અન્ય દેશોમાં આ દિવસે તેમના પરમ મિત્રો કે જે સુખ દુઃખમાં ખભેખભા મિલાવી ઉભા રહ્યા તેમને ભેટ સોગાદો આપી તેમની કદર કરવામાં આવે છે. આ દિવસે દોસ્તો એકબીજાને મળી પોતે એકબીજાને આપેલા કેટલા વચનો પુરા કર્યા તેના હિસાબોની સરવાણીઓ કરે છે તથા એકબીજાને જીવનભર સાથ આપવાની ખાતરી આપી તેમની દોસ્તીને હજુ મજબુત બનાવે છે.
તો પછી આપણે કેમ સાચી રીતે આ દિવસની ઉજવણી ન કરીએ? “ફ્રેન્ડશીપ બેલ્ટ” એ કંઈ સામાન્ય પટ્ટો નથી કે તમે જઈને ગમે તેના હાથમાં બાંધી આવો! આ કોઈ નવી દોસ્તીની શરૂઆતનું લાયસન્સ પણ નથી. પરંતુ આ એક એવોર્ડ છે જે એવા દોસ્તને આપવામાં આવે છે જેમણે તમારા જીવનને ઉત્કૃષ્ઠ બનાવ્યું છે. “ફ્રેન્ડશીપ બેલ્ટ”એ દોસ્તીનો સૌથી મોટો એવોર્ડ છે. જે માત્રને માત્ર શ્રેષ્ઠ દોસ્તને જ આપવામાં આવે છે ને આપવો જોઈએ. આગળ વધીને કહું તો આ દિવસની શરૂઆત આપણા શ્રેષ્ઠતમ મિત્રોને પ્રથમ યાદ કરી તથા તેને સન્માન બક્ષીને કરવો જોઈએ અને મારા મતે દુનિયાના આ શ્રેષ્ઠ મિત્રો છે. ભાઈ-ભાઈ, મા-દીકરી, પિતા-પુત્ર તથા ગુરૂ અને શિષ્ય! દોસ્તો આ સબંધો એવા છે કે જેમણે આપણે પ્રેમ અને હુંફથી વિકસાવવામાં જો સફળ થયા તો જીવનમાં આમનાથી શ્રેષ્ઠ મિત્રો બીજા તમને ક્યાંયે નહી મળી શકે!
તો ચાલો આ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આપણે પણ આપણા એવા દોસ્તોને સન્માન બક્ષીએ કે જેમણે આપણા જીવનને હર્ષ અને ઉત્સાહના રંગથી ભરી દીધો હોય. વર્ષોના આપણા જીવન સફરમાં આપણે અનેક મિત્રો બનાવ્યા હશે પરંતુ આ દિવસે યાદ એને કરાય કે જેની કમી આપણી આંખમાંથી આંસુ બની વહી પડે. જેણે જીવનમાં સાચા સારથી બનીને આપણને સાથ આપ્યો હોય.. જેની સાથે આપણે જીવનના દરેક રહસ્યો, લાગણીઓ અને ઉર્મીઓ વહેંચી હોય. આપણે જયારે અથડાઈને પડ્યા હોઈએ ત્યારે સૌ પહેલા એણે દોડતા આવી આપણો હાથ ઝાલી ઉભા કરતા કહ્યું હોય “વાગ્યું તો નથી ને…”. જે આપણી સાથે રમ્યો હોય, ભમ્યો હોય, જમ્યો હોય ને સાથે માર પણ ખાધો હોય. કદાચ સુખમાં તેનાથી હાજર ન પણ રહેવાયું હોય પરંતુ દુઃખમાં તે અચૂક આપણી પડખે ઉભો હોય. જેની પર આપણે આંખો મીંચી વિશ્વાસ રાખી શકીએ.
તમે પૂર્વજન્મમાં કોઈ પુણ્ય કર્યું હોય ત્યારે જ તમારા નસીબમાં સાચા અને સારા મિત્રો લખાય. એટલે જ તો મિત્રને પ્રભુના પ્રેમનો દૂત કહેવાય છે. તો આ દિવસે આવા મિત્રોને કેમ કરીને ભૂલાય? આજકાલની આ ભાગદોડની જિંદગીમાં સબંધોને નિભાવવા અને ટકાવવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. ત્યારે આવા દિવસો એક આશીર્વાદ સમા બની આપણી સામે આવે ત્યારે તેનો ભરપુર ઉપયોગ કરી લેવો જોઈએ અને આ શક્ય ત્યારે જ બનશે જયારે આપણે તેને સાચી રીતે ઉજવીશું!
દોસ્તો, આખું વર્ષ તમે બીજાના સુંદર લખાણોને Ctrl+c અને Ctrl+p કરી સોશ્યલ મીડિયા પર મેસેજ રૂપી ઢગલો ખડકાવતા જ હોવ છો. પરંતુ આ દિવસ પુરતું આમ ન કરવાની હું તમને નમ્ર વિનંતી કરું છું. દોસ્તીનો આ પવિત્ર દિવસે તમારા પરમમિત્રને રૂબરૂ મળી, તેણે ગળે લગાડી તથા પ્રેમપૂર્વક તેના કાંડા પર મિત્રતાનું સન્માન બાંધી દિલથી, “હેપી ફ્રેન્ડશીપ ડે.’ કહો.
શું તમે આ દિવસે માત્ર એકાદ કલાકે તમારા પરમમિત્ર માટે ન ફાળવી શકો? જો જવાબ “ના” માં આવે તો સમજવું કે તમે આ દિવસ ઉજવવાને કે દોસ્તી કરવાને લાયક નથી. સારા મિત્ર મેળવવા સારા મિત્ર બનવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડશીપ ડેના એમ્બેસેડર એવા “વિનિ દ પૂહ” કહે છે કે “You can’t stay in your corner of the Forest waiting for others to come to you. You have to go to them sometimes.” તેથી જ કહું છું કે આ દિવસે સર્વ કામ ભૂલી માત્ર દોસ્તોને યાદ કરો, તેને રૂબરૂ જઈને મળો, પછી જોજો આખું વર્ષ એ તમને એકલા નહિ પડવા દે…
ફ્રેન્ડશીપ ડે નિમિતે મારા વાંચક મિત્રોને ભેંટ
આજથી પચાસ વર્ષ પૂર્વે એટલે કે ઈ.સ. ૧૯૬૭માં ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેશનના ૧૦માં વર્ષે ‘ફેમસ બેન્ડ બીટલ્સ”એ પ્રસ્તુત કરેલ ગીત “વિધ લિટીલ હેલ્પ ફ્રોમ માય ફ્રેન્ડસ” વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું. તો આવો આપેલ લીંક (https://goo.gl/Pj751P ) ક્લિક કરી તમે પણ એ ગીત સાંભળી ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરો.
છેલ્લે….
ખબર પત્રીના ટીમ મેમ્બરો મારા આવા જ પરમ મિત્રો છે. વર્ષોથી તેઓ મારા સુખ દુઃખના સાથી બની રહ્યા છે. મારી ભૂલોને તેઓ હસતેમુખે ભૂલી જાય છે. આજે “ફ્રેન્ડશીપ ડે” નિમિત્તે હું હૃદયના અંતકરણથી તેમણે કહેવા માગું છું કે…
“દોસ્તો, તમે છો એટલે હું છું… હેપ્પી ફ્રેન્ડશીપ ડે…. ’
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}