શારદાબા અને કાંતિકાકા તેમના લગ્નજીવનની ચાળીસી પૂરી કરી ચૂક્યાં હતાં. સંસારમાં દરેક દંપતિના જીવનમાં જે થોડી નોક ઝોક હોય છે તેવું તેમના જીવનમાં પણ બનેલું, પરંતુ સરવાળે હવે સાઇઠે પહોંચ્યા પછી બે ય જણાં ખુશ ખુશાલ જણાતાં હતાં . બે દીકરા અને બે દીકરી બધાંયના લગ્ન તેમ જ અન્ય પ્રસંગો પણ સારી રીતે પાર પડી ગયા હતા. બન્ને ને દીકરા વહુ કે દીકરી જમાઈ વિશે ખાસ કોઇ મોટી ફરિયાદ કે ટેંશન જેવું હતું નહિ. બન્ને નેસ્વાસ્થ્ય સંબંધી પણ કોઇ તકલીફ મુશ્કેલી હતી નહિ. બન્નેજણ બને એટલી પ્રભુ ભક્તિ કરતાં ને સુખ શાંતિથી જીવન પસાર કરતાં હતાં બન્ને નું આવું શાંત સરળ અને સ્વસ્થ જીવન જોઇ અમારી સોસાયટીના અન્ય લોકોને તેમના આવા જીવન બાબતે કશુંક વિગતે જાણવાની ઇચ્છા થઇ….. અને એ પણ સ્વાભાવિક જ છે કે આજે લગભગ મોટા ભાગના ઘરોમાં ઘણી બધી જાત જાતની સામાજિક અને આર્થિક સમસ્યાઓ જોવા મળે છે ત્યારે આ દંપતિના સફળ અને શાંતજીવનનું રહસ્ય કે કારણ જાણવાની હરકોઇને ઇચ્છા થઇ શકે છે….
અમારી સોસાયટીના પ્રમુખશ્રીએ આ કામ મને સોંપતાં હું એક સાંજે શારદાબા અને કાન્તિકાકાનો અગાઉથી સમય નક્કી કરીમળવા ગયો અને તેમના સુખી અને સરળ ઉપરાંત સફળ લગ્ન જીવનનું રહસ્ય જાણવાની સ્પષ્ટ વાત કરી કેટલાક પ્રશ્નો પૂછ્યા તો બેઉ જણે મને જરા ય આનાકાની વિના ઉત્સાહથી તેના જવાબ આપ્યા જેનો સારાંશ નીચે મુજબ છે,
“ અમે અમારા દીકરા કે વહુ, દીકરી કે જમાઇ પાસેથી કશી જ અપેક્ષા રાખતાં નથી કે રાખવાનાં પણ નથી “,
“ હું તો પરણીને સાસરે આવી ત્યારથી જ મારી બાએ આપેલી શિખામણ મુજબ મારાં સાસુ કે સસરા પાસે ક્યારે ય કશું માગ્યું જ નથી કે તેમણે મારા માટે આવું કરવું જ જોઇએ એવી અપેક્ષા કે માન્યતા કદીય રાખી જ નથી..” શારદાબાનો જવાબ.
“ દીકરા-દીકરી વહુ બધાં અમને વહાલાં જ છે પણ એમ લાગે કે કોક ભૂલ કરી રહ્યું છે તો ધમકાવવાને બદલે હસતાં હસતાં ય એને ટકોરીએ તો ખરું જ …”
“ જીવનમાં બધું આપણી ઇચ્છા મુજબ નહિ પરંતુ ભગવાનની ઇચ્છા મુજબ જ બને છે, આવું અમે બે ય જણું દ્રઢપણે માનીએ છીએ એટલે કોઇ પ્રશ્ન આવે ત્યારે થોડીવાર તો ટેંશનમાં આવી જઇએ પણ પછી ભગવાનની ઇચ્છા વાળો સંકલ્પ યાદ આવી જતાં અમારું મન શાંત થઇ જાય છે. “
મને પણ શારદાબા અને કાન્તિકાકાના સરળ , શાંત અને સફળ દાંપત્યજીવનું રહસ્ય જાણીને ઘણો જ આનંદ થયો. આ સાંભળીને મનમાં થાય છે કે શું દરેક દંપતી આવી જ રીતે ન જીવી શકે ?બોલો શું કહેશો ?
– અનંત પટેલ