અમદાવાદ : મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકોટમાં શાપર જીઆઇડીસી ગોડાઉનની બહાર પ્રતીક ઉપવાસ પર બેસી આજે સતત ત્રીજા દિવસે ખેડૂતો માટેની તેમની લડત ચાલુ રાખી હતી. રાજયભરમાં ભારે ખળભળાટ જગાવનાર પેઢલા મગફળી કૌભાંડમાં ગઇકાલે પોલીસ દ્વારા નાફેડના ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ આરોપીઓની કરાયેલી ધરપકડ બાદ આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અગાઉ મગફળીના ૫ાંચ જેટલા ગોડાઉન સળગી ગયા તેનો ફોરેન્સિક રિપોર્ટ પણ સરકાર હજુ સુધી જાહેર કરી શકી નથી.
ત્યારે પેઢલા પ્રકરણમાં તો દબાણવશ સરકારે માછલીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા મગરમચ્છ હજુ પકડવાના બાકી છે. આમ કહી ધાનાણીએ સરકારના કેટલાક મોટા માથાઓ અંગેનો સીધો સંકેત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મને ખ્યાલ આવ્યો કે રામરાજ્ય ગોડાઉનમાં આગ લાગી તેના અઠવાડિયા પહેલાં રોજ રાત્રે ટ્રકોમાં મગફળીઓ બહાર જતી હતી. તો તે મગફળીનું પિલાણ ક્યાં થયું તે સરકાર જાહેર કરવુ જોઈએ.
એટલું જ નહી, જે ૪.૫ લાખ ટન મગફળી વેચી નાખ્યાનો સરકાર દાવો કરે છે તે તો કેટલાક ઓઈલમિલરો પર દબાણ કરીને પરાણે તળિયાના ભાવે વેચાઇ છે. સરકાર વિરૂધ્ધ બોલી ન શકવાને કારણે વેપારીઓએ આ મગફળીની ખરીદી કરી હતી. બાકી રહેલી મગફળીમાં કેટલી માટી છે તેની તપાસ કરવાની માંગ પણ તેમણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શાપરમાં ગત તારીખ ૬ મેના રોજ ૪ કરોડથી પણ વધુની કિંમતની મગફળી બળીને ખાખ થઈ હતી. જેની પ્રાથમિક તપાસ રાજકોટ ગ્રામ્યને સોંપાઈ હતી. બાદમાં આ તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. અને આ કેસમાં હજુ સુધી એક પણ શખ્સની ધરપકડ સુધ્ધા કરાઈ નથી. આગામી ૬ ઓગષ્ટે આ બનાવને ૯૦ દિવસ પૂર્ણ થાય છે ત્યારે હજુપણ આ ઘટનાનના એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જે બાબત ખરેખર આ મામલે કશુંક રંધાયું હોવાની શંકા ઉભી કરી રહી હોવાની જારદાર ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.