રાજકોટ: રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા સાજનકુમાર મનસુખભાઇ ગધેથરીયા રૂ.૫૦ હજારની લાંચ લેતા પકડાયા છે, અને તેમની સામે નિયમ મુજબની પોલિસ કાર્યવાહી કરવામાં આવેલ છે.
શ્રી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની મંડળીનું દૂધ નહીં લેવા માટે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના મેનેજીંગ ડીરેકટર(એમ.ડી.) તરફથી હુકમ કરવામાં આવ્યો હતો, જે હુકમ રદ કરી દૂધ લેવાનું ચાલુ કરાવી આપવાનો હુકમ કરાવવા માટે અને ભવિષ્યમાં આ મંડળીનું દૂધ નહીં લેવા માટેનો હુકમ ન કરવા માટે રૂ. ૫૦ હજારની લાંચ આપવા માટે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા સાજનકુમાર મનસુખભાઇ ગધેથરીયાએ તેમને જણાવ્યું હતું,
આથી શ્રી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રીની પોલિસમાં ફરિયાદ નોંધી કુવાડવા ગામના હાઇ-વે પર આવેલી રામદેવ પાન એન્ડ ટી સેન્ટરની સામે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાજનકુમાર મનસુખભાઇ ગધેથરીયાએ શ્રી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી પાસે રૂ. ૫૦ હજારની લાંચ માંગતાં રાજકોટ શહેર પોલિસ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ૪ એપ્રિલ, ૨૦૧૮ના રોજ સાંજ ૪.૦૦ વાગ્યે સાજનકુમાર મનસુખભાઇ ગધેથરીયાની અટક કરી ગુનો દાખ કરેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે, તેમ ડી.પી.ચુડાસમા, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.