તાજેતરમાં જ તામિલનાડુના તુતિકોરિનમાં કોપર પ્લાન્ટના વિરોધ કરતાં પોલીસે ગોળીબાર કરતાં ૧૩ લોકોએ જાન ગુમાવ્યા હતાં. આ મુદ્દો દેશભરમાં ચગ્યો છે ત્યારે ગુજરાતમાં ભાવનગરમાં ય તામિલનાડુના તુતિકોરિન જેવી ઘટનાનુ પુનરાવર્તન થઇ શકે છે. ઓલ ઇન્ડિયા કિસાનસભાએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, ગુજરાતમાં ભાજપ સરકારને ખેડૂતોની અવગણના ભારે પડશે. જમીન સંપાદન કરીને વળતર ચૂકવવામાં સરકાર ઠાગાઠૈયા કરી છે.
ભાવનગરમાં જીપીસીએલ લિગ્નાઇટ માઇનીંગ માટે ભાવનગર જીલ્લાની બાદી, હોઇદાદ, માણેકવદર, પડવા, ખડસલિયા, થલસર, થોરાડી, રામપરા, સુરકા સહિત કુલ મળીને ૧૨ ગામોની જમીન સંપાદન કરી છે. પીટીઆઇના અહેવાલ મુજબ, જીપીસીએલે ભાવનગર અને ઘોઘા તાલુકાના કુલ ૧૨ ગામોની ૧૪૧૪ હેક્ટર જમીન ખેડૂતો પાસેથી વર્ષ ૧૯૯૭માં સંપાદન કરી છે. ખેડૂતોનો આક્ષેપ છેકે,સરકાર લેન્ડ એક્ટ ૨૦૧૩નો અમલ કરતી નથી. જો પાંચ વર્ષમાં જમીનનો ઉપયોગ પ્રોજેક્ટ માટે ન થાય તો તે જમીન મૂળમાલિકને પરત કરવી પડે. આ ઉપરાંત જમીનનુ વળતર પણ ચૂકવાયુ નથી.
ખેડૂત આગેવાનો માને છેકે, ગુજરાતમાં ભાજપ સરકારની નીતિ રહી છેકે, ઉદ્યોગપતિઓને સસ્તાભાવે જમીનો આપી દેવાય છે જયારે ખેડૂતોને સહાય,વળતર ચૂકવવામાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. આ ગુજરાત મોડેલ છે. ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે, પર્યાવરણ મિનિસ્ટ્રી પણ રબર સ્ટેમ્પ બની રહી છે. પર્યાવરણ, માનવજાત માટે નુકશાન હોવા છતાંય પ્રોજેક્ટોને મંજૂરી આપી દેવાય છે. આમ, ગુજરાતમાં ય તુતિકોરિનનુ પુનરાવર્તન થાય તે દિશામાં સ્થિતી નિર્માણ થઇ રહી છે.