અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ગાહેડ અને ક્રેડાઇના ગુજરાત રિયલ એસ્ટેટ વિઝન-ર૦૩૦ અને ૧૩માં પ્રોપર્ટી શા નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે એફોર્ડેબલ હાઉસીંગ આવનારા સમયની આવશ્યક જરૂરિયાત છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ર૦રરમાં દેશની સ્વતંત્રતાની ૭પ મી વર્ષગાંઠે હરેક દેશવાસીને માથે આવાસ છત્ર આપવા સંકલ્પબધ્ધ છે ત્યારે દરેક વ્યકિતને ‘ઘરનું ઘર’ મળે તે જવાબદારી આપણે સૌએ નિભાવવાની છે. મુખ્યમંત્રીએ કન્સ્ટ્રકશન એકટીવીટીમાં કવોલીટી વર્કની આવશ્યકતા સમજાવતાં જણાવ્યું કે, માનવીની પાયાની ત્રણ જરૂરિયાતો રોટી, કપડા, મકાન પૈકી મકાન સુવિધાયુકત- શાંતિ આપનારૂં અને ‘ધરતીનો છેડો ઘર’ની અનૂભુતિ કરાવનારૂં હોય તેવી પ્રતિબધ્ધતા સાથે આવાસ નિર્માણ કરવા જરૂરી છે.
વિજય રૂપાણીએ ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યો છે અને રાજ્યના શહેરોની સ્પર્ધા હવે વિશ્વના સ્માર્ટ શહેરો સાથે છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, આવાસ સુવિધા, માળખાકીય સવલતો, લોકોના જીવન ધોરણમાં સુધાર સાથે સ્માર્ટ સિટીઝ-લિવેબલ નગરોના નિર્માણની આપણી નેમ છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં પ૦ ટકા શહેરી વસ્તી છે તેનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકસતા શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ વિકાસ માટે આ સરકારે ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ પ્લાનમાં પારદર્શીતા સાથે ર૦૧૮ના એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર કરવાનું ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. તેમણે આ વર્ષ દરમ્યાન ૧૦ શહેરોનો ડેવલપમેન્ટ પ્લાન-વિકાસ નકશા પણ સરકારે મંજૂર કર્યા છે તેમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ સમાજના બે છેડા હેવ એન્ડ હેવનોટને સાથે મળીને સામાજીક સમરસતા સાથે સૌને આવાસ છત્ર અને તે પણ સુરક્ષિતતા સાથેનું આવાસ મળે તેવી શ્રેષ્ઠ સ્થિતી ઊભી કરવા રિયલ એસ્ટેટ ડેવલપર્સને પ્રેરક આહવાન કર્યુ હતું.