અમદાવાદ : સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડ ગુજરાતમાં કુલ ૩,૭૧૦ કરોડના મૂડીરોકાણ સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં આ ત્રણેય કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત પાસે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ અને ક્રિસ્ટલ ક્લિયર પોલીસી છે. સમગ્ર વહીવટી તંત્રનો અભિગમ હકારાત્મક છે. તેમણે ઉદ્યોગગૃહોને ખૂબ જ ઝડપથી ઉદ્યોગો કાર્યરત થઈ જાય એ માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો. સાંઘીપુરમ, કચ્છમાં વાર્ષિક ૪ મિલિયન ટન સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક ૮.૬ મિલિયન ટન કરવા જઈ રહ્યા છે.
આ માટે તેઓ સાંઘીપુરમ ખાતે જ રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. આ વિસ્તરણથી વધુ ૩૫૦ લોકો માટે રોજગારીની સંભાવના ઊભી થશે. વર્ષ ૨૦૨૦ સુધી કાર્યરત થઈ જનારા આ પ્રોજેક્ટ માટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘીએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ એમકે દાસ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કચ્છમાં મીઠા અને મરીન કેમિકલ્સના ઉત્પાદન માટે રૂ. ૫૫૦ કરોડના ખર્ચે પ્લાન્ટ શરૂ કરશે. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રવિશંકર જાલને આજે એમ.ઓ.યુ કર્યા હતા. વર્ષ ૨૦૨૧ સુધીમાં કાર્યરત થઇ જનારા આ પ્રોજેક્ટથી અંદાજે ૧૦૦૦ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે.
ગીર-સોમનાથના સુત્રાપાડા ખાતેના બ્રાઉનફિલ્ડ સોડા-એશ પ્લાન્ટના વિસ્તરણ માટે પણ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડે આયોજન કર્યું છે. વર્ષ ૨૦૨૦ સુધી કાર્યરત થનારા ૬૦૦ કરોડના મૂડી રોકાણવાળા આ વિસ્તરણ પ્રોજેક્ટ માટે પણ આજે એમ.ઓ.યુ. કરાયા હતા. લગભગ ૨૦૦૦ લોકો માટે આ પ્રોજેક્ટમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડનું ગુજરાતમાં ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે ટાયર ટ્યૂબ અને અન્ય રબર ઉત્પાદનોનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન છે. ૧૦૬૦ કરોડના મૂડીરોકાણવાળા આ પ્રોજેક્ટ માટે મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડના ડાયરેક્ટર અશોક મહાનસરીયાએ એમ.ઓ.યુ. કર્યા હતા.