રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. તેમણે ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮’’ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે રાજયભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજયસરકાર માટે પ્રોત્સાહક પુરવાર થઇ રહી છે.
તળાવની પવિત્ર માટીથી રાજયભરનાં લીલાછમ્મ બનશે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનમાં લોકોએ આપેલા શ્રમદાન અને સમયદાનના ભરપેટ વખાણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮’’ ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવતાં કહયું હતું કે, પક્ષાપક્ષીથી પર રહીને રાજયની સીત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનના પ્રારંભે થયેલી કાર્યવાહીની સાપેક્ષે અત્યારે આ અભિયાન ખૂબ ઝડપથી આગળ વધી રહયું છે, ત્યારે પાણીના પુર્નવપરાશ અંગે રાજય સરકાર ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.