ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર સોમનાથના સાનિધ્યે સ્થિત વેરાવળ વાસીઓનાં મોબાઇલ ફોન પર હાલ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળનો નાદ ગુંજતો થયો છે. સોશ્યલ મીડિયાનાં માધ્યમથી વેરાવળનાં ૭ જુવાનીયાઓએ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળનું અભિયાન ચલાવ્યું છે. તેમણે સૌ-પ્રથમ કોઇ શેરી-ગલી કે મહોલ્લો લેવાનાં બદલે સોમનાથ મંદીર નજીકનો અદભુત નજારો ધરાવતા બાણગંગાનો સમુદ્રતટ પસંદ કર્યો. યુવાનોની આ પસંદગી એવી છે કે, આ સ્થળને સ્વચ્છ રાખવું વેરાવળનાં જન-જનને પ્રિય છે.
બોટનાં રીપરીંગ, બોટ ભાંગવા કે કારખાનામાંથી નીકળતા કચરો લોકો આ સમુદ્રતટે ઠાલવી સૌ-પ્રથમ તો પોતાનાં પગ પર કુહાડી મારી રહ્યા છે. આ એ દરિયા કિનારો છે કે અહીંથી અર્થાત ભીડીયાથી શરૂ થઇને હીરાકોટ બંદર સુધી થોડા વર્ષો પહેલા દરિયામાં ઉછળકુદ કરતી ડોલફીન જોવી એક લહાવો હતો. યુવાનોની ટીમનાં રાકેશ મોતીવરસ કહે છે આજથી થોડા વર્ષો પહેલા વેરાવળથી સોમનાથ મંદીરે દર્શન કરવા જવા માટે આજ રસ્તો પ્રચલીત હતો અને ત્યારે સોમનાથ ભગવાનનાં દર્શન સાથે દરીયામાં ઉછળકુદ કરતી ડોલફીન જોવી એ લહાવો હતો. પરંતુ દરિયાઇ પ્રદુષણથી આજે ડોલફીન જોવાનો એ લહાવો ભુતકાળ બની ગયો છે.
દરિયાઇ પ્રદુષણની સૈાથી ખતરનાક બાબત પ્રત્યે પ્રકાશ પાડતા રાકેશભાઇ કહે છે, દરિયામાં પ્લાસ્ટિક ફેંકાતા પ્લાસ્ટીકના સુક્ષ્મ કણો જાણે-અજાણે માછલીઓનો ખોરાક બને છે. પ્લાસ્ટીકનાં સૂક્ષ્મ કણ વાળી માછલી જ્યારે વિદેશમાં નિકાસ થાય અને તેમાં આ પ્રદુષિત માછલી મળે ત્યારે કરોડો રૂપિયાના કાર્ગો રીજેકટ થાય છે. વિદેશી હુંડીયામણ રળી આવતા ફીશ ઉદ્યોગને નષ્ટપ્રાય કરવામાં પ્રદુષણનો ખુબ મોટો ફાળો છે. આથી સાગરપુત્રો સાથે દરિયાકાંઠે સ્થાયી થયેલા અને બહારથી આવતા લોકોએ દરિયાને પ્રદુષિત કરતા બચવું જરૂરી છે.
ગ્રીન વેરાવળ ક્લીન વેરાવળ ભીડીયાનાં મનીષ સુયાણી, રાકેશ મોતીવરસ, દિપક સિંધવડ, રમેશ ગોહીલ, રાકેશ પરડવા, નરેશ ગોહીલ અને મનીષ થાવરની ટીમ દ્વારા વેરાવળવાસીઓને સોશ્યલ મીડિયાનાં માધ્ય્મથી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સાદ પડતા ૫૦૦ થી વધુ લોકો આ મુહિમમાં જોડાઇને ૧ કિ.મી.નાં સમુદ્રતટને રળીયામણો સુંદર બનાવ્યો છે. હા કોસ્ટગાર્ડનાં જવાનો, નગરપાલિકા તંત્ર, વનવિભાગ અને સોમનાથ ટ્રસ્ટનો પણ સહયોગ સાંપડ્યો.
અત્યારે આ સમુદ્રતટને મુલાકાત લેતા સ્વચ્છતામાં આસમાન જમીનનો તફાવત જણાઇ આવે છે. આપણી વિરાસત આપણી ધરતી આપણો સમુદ્ર આપણા સિવાઇ કોઇ સ્વચ્છ સુંદર નહી રાખી શકે. આટલી સમજણ તો સોમનાથનાં સાનીધ્યે સ્થિત લોકોમાં હોય જ એમાં કોઇ શંકાને સ્થાન નથી.