રાજુ સ્મિતાને સાંજે લેવા માટે બસસ્ટેન્ડ પર સ્કૂટર લઇને અચૂક ઉભો હોય..! સ્મિતા પણ દરરોજની નિશ્ર્ચિત બસમાં જ આવે. સ્મિતા અમદાવાદ નોકરી કરતી હતી. રાજુ ગાંધીનગર નોકરી કરતો હતો. દરરોજ સવારે રાજુ સ્મિતાને બસસ્ટોપ પર મૂકી આવતો ને સાંજે પાછો નિયમિત રીતે ઉભો જ હોય..
પણ એક રાત્રે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો. વાત એવી બની કે ઉનાળામાં અતિશય ગરમીથી રાહત મેળવવા સ્મિતાએ એકાદ મહિનાની રજા મૂકી ગામડે જવાની વાત મૂકી હતી. રાજુ આ વાત સાથે સંમત ન હતો. તેણે સ્મિતાને રજા લેવાની ના પાડી, સ્મિતાને ગામડે જવું હતું. જો કે એણે ગામડે એના સાસુ સસરા પાસે જવાની જ વાત કરી હતી ને પૂરો એક માસ રજા ગાળવી હતી. છતાં રાજુએ કહ્યું હતુ,
” આપણે એવી ખોટી રજાઓ બગાડવી નથી, ઉનાળામાં ઘેર જઇએ કે અહીં રહીએ શું ફેર પડે છે ??”
” આમાં બંને વચ્ચે જીભા જોડી થઇ હતી. બેઉં વધારે ચર્ચા કર્યા વિના રાતે મોં ફૂલાવીને સૂઇ ગયા.
સવારે તો સ્મિતાએ નવ ને પંદરની બસ લેવાની હતી. એણે પહેલાંથી જ રાજુને પૂછી લીધું,
” તમે સ્કૂટર પર મને મૂકી જશો ?”
રાજુએ કંઇ જવાબ ન આપ્યો. સ્મિતાએ એના મૌનને સમજી લીધું. નવ વાગતામાં એણે ચૂપચાપ બધું કામ પતાવી દીધું. નવ વાગે તૈયાર થઇ બહાર નીકળતાં એ બોલી,
” હું રિક્ષા કરીને બસસ્ટેશન જાઉં છું તમારું જમવાનું તૈયાર રાખ્યું છે, સાંજે મારે મોડું થશે તો તમે મને લેવા સામે ન આવતા…”
‘ધડ” કરતું બારણું બંધ કરી સ્મિતા ચાલી ગઇ. રાજુ એને જતી જોઇ રહ્યો. રાજુને સ્મિતાના આમ ગુસ્સામાં ચાલ્યા જવાથી અકળામણ થઇ…એને થયું,
” શું કશી ભૂલ તો નથી થતીને ? ”
જમતી વખતે આજે રસોઇ એને વધારે સ્વાદિષ્ટ લાગી. આમ તો રોજ એ સ્મિતાને સ્કૂટર પર મૂકી આવતો ને ત્યાર પછી લગભગ કલાક બાદ એની નોકરી પર જતો. આ એક કલાક દરરોજ એને સામાન્ય લાગતો, પણ આજે આ એક કલાકની એકલતા એને કોરી ખાવા લાગી. પેપર વાંચવાનું પણ જરા ય મન ન થયું. જમતાં જમતાં રસોઇ તો એને સ્વાદિષ્ટ લાગી પણ તો ય પૂરુ ધરાઇને જમી શક્યો નહિ….એના ચહેરા પર ચિંતા છવાઇ ગઇ.
આખો દિવસ ઓફિસમાં એણે બેચેનીથી ગાળ્યો. દિવસ દરમિયાન સ્મિતાને અમદાવાદ એની ઓફિસમાં ફોન કરવાનો વિચાર આવેલો પણ વળી પાછો એનો અહમ નડતો હતો . આજે સાંજે સવા સાતે સ્મિતાને સામે લેવા જવાની એણે ના પાડી હતી.વળી એણે કહ્યું હતું કે કદાચ મોડું પણ થશે.
છતાં રાજુએ કશુંક વિચારી લીધું. એ તો જાણે આજે ય સ્મિતા સવા સાતની નિશ્ર્ચિત બસમાં આવવાની છે એમ માનીને બસ સ્ટેન્ડ પર આવીને ઉભો રહ્યો.
અને બસ સાડા સાતે આવીને ઉભી રહી. એ બેચેનીથી બસમાંથી ઉતરતા પેસેન્જરોને જોઇ રહ્યો અને એના આશ્ર્ચર્ય વચ્ચે સ્મિતા બસમાંથી ઉતરી ને જાણે રાજુને જોયો જ નથી એમ સહજ રીતે મનમાં મલકાતાં ચાલવા લાગી….રાજુએ સ્કૂટર ચાલુ કરી હોર્ન માર્યો, એની પાસે સ્કૂટર લઇ જતાં કહ્યું,
” ચાલ બેસી જા ” રાજુ જાણે ઉપકાર કરતો હોય એમ બોલતો હતો.
” ચાલો ત્યારે ”
જાણે સ્મિતા પણ પરાણે બેસતી હોય એમ બેઠી.ઘેર આવ્યા પછી રાજુએ સ્મિતાને રજાના બે ફોર્મ આપ્યાં,એક એનું ને બીજુ સ્મિતા માટે…
” લે આ ફોર્મ, જેટલા દિવસ ગામડે જવું હોય એટલા દિવસની રજા મૂકી દે..”
સ્મિતા આશ્ર્ચર્યથી રાજુને જોઇ રહી.
” હમ્મ, તો હવે તમે એગ્રી થયા ખરા … ”
એણે ફોર્મ ભરી દીધાં. સ્મિતાએ કશું ક વિચારીને એક માસની રજા લેવાની જીદ છોડી ફક્ત પંદર દિવસની રજા મૂકી. બેઉં પરસ્પરના આવા નિર્ણયથી પ્રસન્ન થઇ ગયાં….
- અનંત પટેલ