સેન્ટર ઓફ એટ્રેક્શનની જૂની એક વ્યાખ્યા એટલે અછકલાવેડા. ના, આજે આના વિશે કોઈ લાંબા લાંબા ભાષણ નથી આપવા. ના સલાહ- સૂચનો કરવા છે, કે શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ. બસ ખાલી ઉદાહરણો જોઈએ અને મજા લઈએ. લોકો આપોઆપ સમજી જશે.
- વંદના માસીની દીકરી ભવ્યા અમેરિકામાં રહે છે. તે વાતનો તેમને એટલો ગર્વ છે અને આખી દુનિયાને આ વાત જણાવવાનો ઉત્સાહ પણ છે. બે દિવસ પહેલા કંકુમાસી જોડે બ્લાઉઝ પીસ ખરીદવા ગયા હતા. તેમને એક્સેટ મસ્ટર્ડ યલ્લો શેડ નહોતો મળતો. તકનો લાભ લઈને વંદના માસીએ કહ્યું કે હમણાં જ મારી ભવ્યાએ અમેરિકાથી જે કપ-રકાબી મોકલાવ્યાને તેનો જે યલ્લો કલર છે તેવો કલર તમારે જોઈએ છે…?
- દમયંતી પહેલીવાર એરપોર્ટ જવાની હતી. સોસાયટીનાં ગેટ પાસે જઈને બૂમો પાડવા લાગી, ‘’ અલા કહું છું પીન્ટુનાં પપ્પા ચાલો જલદી નહીં તો ટર્મીનલ ૩ પર ભીડ જામી જશે…!
- રસિકભાઈએ પત્નીને વેલેન્ટાઈન પર સોનાની વીંટી કરી આપી, તેથી લન્ચ આપવા પત્નીને રૂબરુ ઓફિસ બોલાવી અને પાછા ફરતી વખતે કેબીનની બહાર નીકળીને બધા સાંભળે તે રીતે મોટેથી કહ્યું કે સાચવીને જજે ઘરે…તડકામાં હાથમાં ગ્લવ્સ પહેરી લેજે એટલે હાથ પણ ન બગડે અને વેલેન્ટાઈનમાં મેં જે તને વીંટી લઈ આપી છે તે પણ સચવાઈ જાય.
- પૌલોમી આન્ટીને વેવાણે નવા વર્ષમાં સાડી મોકલાવી હતી એટલે ખાસ આ વખતે કીટ્ટીપાર્ટીમાં સાડીની થીમ રાખી અને એ પણ રેડ એન્ડ બ્લેક. તેમણે લગભગ ત્રીસેક જણાંને પૂછ્યુ કે મારી સાડી સરસ લાગે છે હે ને….વેવાણે મોકલી છે…ખાસ મારા માટે.
- નીશા બગીચામાં મોટે મોટેથી ચિન્ટુને કહેવા લાગી કે કેટલીવાર કહ્યું છે બેટા પાણી પીને ટપરવેરની બોટલનું ઢાંકણું સરખુ બંધ કરવાનું…!!!
- કલાકાકી બાજુમાં ચાવી આપવા ગયા ત્યારે કહેતા ગયા કે કોઈ મહેમાન આવે તો કહેજો કે મારા દિકરાનો પહેલો પગાર આવ્યો છે ને પચીસ હજાર. તેની પાર્ટી કરવા અમે હોટલમાં જમવા જઈએ છીએ.
અને છેલ્લે પતિ : આજે તો હું વુડલેન્ડનાં શુઝ પહેરીને ગયો તો સારુ થયુ…નહીં તો ચાલી ચાલીને થાકી જાત…
પત્ની : સારુ ચલો હવે ફટાફટ મિલ્ટનનાં ડીનરસેટમાં લન્ચ કરી લો…..
-પ્રકૃતિ ઠાકર