ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઇ હતી. આરોગ્ય વિભાગ, નીતિ આયોગ અને અન્ય અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા. કેટલાંક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ કેવી રીતે ચાલી રહ્યું છે, મોક ડ્રીલ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાઓનો કેટલો સ્ટોક છે, આ તમામ બાબતો પર આજની બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં કોરોના પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, XBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં ૨૧૪૧ એક્ટિવ કેસ છે. તેવામાં આગામી ૧૦ અને ૧૧મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. જો કે, ગયા અઠવાડિયા કરતાં આ ચાલુ અઠવાડિયામાં કોરોના કેસો ઘટ્યા છે. હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરવામાં આવી છે અને જલદી વેક્સિન મળી જશે, તેવું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું. નોંધનીય છે કે, ગઇકાલે ગુજરાતમાં કોરોનાના નવા ૩૨૭ કેસ નોંધાયા હતા. જ્યારે ૩૬૦ દર્દીઓ સાજા થયા હતા

Share This Article