કેન્સર દર્દી શરાબની દુર રહે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં જ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેન્સરના દર્દીઓને કેટલાક સૂચનો કરીને નવી માર્ગદર્શિકા જારી કરી હતી. વધુ લાંબા સમય સુધી કેન્સરના દર્દીઓ સારી લાઇફ ગાળી શકે અને આરોગ્યને પણ સાચવી શકે તે બાબતોનો આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન કેન્સર સોસાયટીએ જે માર્ગદર્શિકા જારી કરી છે તેમાં કેન્સરના દર્દીઓને ફળફળાદી, શાકભાજી  અને અનાજ પૂરતા પ્રમાણમાં ભોજનમાં લેવા માટેની સલાહ આપી છે. સાથે સાથે આરોગ્ય જાળવી શકે તેવા વજનની જાળવણી કરવા તથા નિયમિત રીતે કસરત કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

ઉપરાંત કેન્સરના દર્દીઓ પોતાના આયુષ્યને લંબાવી શકે તે માટે આ દર્દીઓને શરાબને ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. શરાબના શોખીન કેન્સર દર્દીઓને જો શરાબ ન ટાળીશકતા હોય તો ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. હેલ્થી લાઇફ સ્ટાઇલ હમેશા ચોક્કસ પ્રકારના કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકન કેન્સર સોસાયટીએ નવી માર્ગદર્શિકામાં ઘણી બાબતો રજૂ કરી છે. આમા કિડની, સ્તન કેન્સર, પેનક્રિયાસ કેન્સર અને કોલોન કેન્સર સહિત ચોક્કસપ્રકારના કેન્સરને હેલ્થી લાઇફ સ્ટાઇલ રોકી શકે છે પરંતુ પહેલાથી જ કેન્સરથી ગ્રસ્ત થઈ ગયેલા લોકોને કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ સલાહ તબીબના આધાર ઉપર લેવી જાઈએ.

છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૧૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવ્યા બાદ સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં જણાવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ, નિયમિત કસરત અને વજનને અંકુશમાં રાખીને કેન્સર ફરી થવાના ખતરાને ઘટાડી શકાય છે. સાથે સાથે મોતના જોખમને પણ ઘટાડી શકાય છે. કેન્સરની સારવાર દરમિયાન હળવા પ્રમાણમાં કસરત હતાશા અને થાકને દૂર કરવામાં ભૂમિકા ભજવે છે. હાર્ટની સ્થિતિને પણ સુધારે છે. સાથે સાથે સ્નાયુઓને મજબૂત બનાવે છે. માર્ગદર્શિકામાં પૂરક તત્વો કરતા ખાદ્યાન ચીજવસ્તુઓમાંથી જરૂરી ચીજવસ્તુ વધુ પ્રમાણમાં લેવાની સલાહ પણ આપી છે. કારણ કે ચોક્કસ પૂરક તત્વો ચોક્કસ પ્રકારના કેન્સરની સારવારમાં ઉપયોગી બને છે.

Share This Article