દેશમાં કેન્સર અને ખાસ કરીને સ્તન કેન્સર અથવા તો સર્વાઇકલ કેન્સરના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. સ્તન કેન્સરના વધવાનો દર વર્ષ ૨૦૧૮માં પણ છ ટકાની આસપાસ રહ્યો હતો. વર્ષ ૨૦૧૭ની તુલનામાં વર્ષ ૨૦૧૮માં ૧.૬ લાખ મામલા સપાટી પર આવ્યા હતા.
આ આંકડા હાલમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. સર્વાઇકલ કેન્સરના મામલા પણ આ વર્ષોના ગાળા દરમિયાન ૯૯ હજારથી એક લાખ અને ત્યારબાદ ૧.૦૧ લાખ સુધી પહોંચી ગયા છે. વિશ્વભરમાં કેન્સર રોગે તેનો સકંજા મજબૂત બનાવી દીધા બાદ ભારત અને અમેરિકા સહિતના દેશોએ આ રોગને રોકવા તમામ પગલા લીધા છે. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ મહિલા પૈકી એકમાં સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. તાજેતરના સમયમાં ૩૫ વર્ષની વયમાં ભારતમાં કેન્સરના દર્દીઓ નોંધાયા છે. જે નવી ચિંતા સર્જે છે.
ભારતમાં નવા સ્તન કેન્સરના કેસોની સંખ્યા પ્રતિ વર્ષે આશરે ૧૧૫૦૦૦ની આસપાસ છે. અલબત્ત તમામ લોકો માટે સારા સમાચાર એ છે કે કેન્સરના રોગ બાદ પણ બચી જવાની તકો ૮૫ ટકાની આસપાસ છે. કેન્સર રોગ ૮૫ ટકા સુધી સારવાર થઇ શકે તે પ્રકાર છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રારંભિક તબક્કામા યોગ્ય સારવાર લેવાની શરૂઆત કરવામાં આવે તો મોતનો દર ઘટી જાય છે. પરંતુ મોટા પડકાર એ છે કે પ્રારંભિક તબક્કામાં આ રોગને ઓળખી કાઢવાની બાબત ખુબ જ મુશ્કેલરૂપ છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોમાં આશરે ૪૦ ટકા લોકો વહેલી તકે સારવાર લેવા પહોંચી જાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ચિત્ર ચિંતાજનક બનેલું છે. ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા લોકો મોડેથી સારવાર લેવા પહોંચે છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના રોગ ઉપર અંકુશ મેળવવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે. કેન્સરના રોગને રોકવા માટે નિષ્ણાંતોની વહેલી તકે સલાહ જરૂરી છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ પૈકીની એક મહિલાને સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. જ્યારે અમેરિકામાં ૮ મહિલા પૈકી એકને સ્તન કેન્સરનો ખતરો છે. ભારતમાં વર્ષ ૨૦૦૮માં ૧.૧૫ લાખ નવા સ્તન કેન્સરના કેસો હતા અને ૫૩૦૦૦ના મોત થયા હતા.
નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓની લાઇફ સ્ટાઇલમાં ફેરફાર થયા છે. સાથે સાથે બે દશકોમાં રિપ્રોડ્કટીવ વર્તનમાં પણ ફેરફાર થયા છે. વધુ યુવા મહિલા નોકરી કરવા લાગી છે. મોડેથી લગ્ન કરે છે. મોડેથી બાળકોની માતા બને છે. અન્ય જોખમી પરિબળોમાં મહિલાઓ નવજાત શીશુને સ્તનપાન કરાવતી નથી. શરાબ અને ધ્રુમ્રપાનની ટેવ ધરાવે છે.