જયાને ભાભી વિના પળવાર ય ન ચાલે. જયા અને સરલા—નણંદ અને ભાભી હતાં પણ સગી બહેનોમાં ય ન હોય એવું હતું એમનું હેત. જયા એક કામ કરે તો સરલા બીજુ.. એકે ય ને જરા ય આળસ જ નહિ. બાને તો કશું કરવાનું રહે જ નહિ… નણંદ ભોજાઇ ટીખળ કરતાં જાય ને કામ કરતાં જાય. પાછાં એવાં સખિપણાં કે રિસાવાનું તો ક્યારે ય બને જ નહિ..ભાભી નણંદને ભાવિ સાસરીયાની યાદ કરાવી કશીક ગમ્મત કરે તો નણંદ પણ દર પંદર દિવસે નોકરીએથી પાછા ફરતા એના વીરાની યાદ કરાવી ભાભીને ય શરમમાં નાખી દેતી…કેવો પ્રેમ !!! જાણે કે મા અને ઉંમરલાયક દીકરીનો પ્રેમ !!! બસ અરસપરસ સતત વહ્યા જ કરે.. બાપુજીને પણ ઘરનો આવો આનંદ માણવો ગમે.. ભાભી ક્યારે ક પિયર જાય તો જયાને ચેન ના પડે, એનું મોંઢુ ભાભી જેટલા દિવસ ન આવે એટલા દિવસ પડેલું જ રહે.. શરૂમાં તો એ ભાભીની સાથે જતી રહેતી પણ જેમ જેમ મોટી થતી ગઇ અને કદાચ વધારે સમજણ આવ્યા પછી એ એમની સાથે ન જતી. પરંતુ ભાભીની ગેરહાજરીમાં એ ખૂબ જ અકળાઇ જતી… ભાભી પાસેથી ઝટ પાછા ફરવાનું વચન લઇને પછી એમને એ જવા દેતી… ને એની ભાભલડી ય એવી કે વાયદા કરતાં એક દિવસ વહેલી જ આવી જાય.. કદાચ પિયરમાંથી વાયદા કરતાં વહેલી પાછી ફરનારી જૂજ સ્ત્રીઓ પૈકીની એ એક હતી.
કોઇપણ સુખ કે સાહ્યબી હોય પણ એનું આયુષ્ય નક્કી જ હોય છે. સમય પૂરો થાય એટલે એમાં વિક્ષેપ પડતો જ હોય છે. જયા અને સરલાના મીઠા જીવનમાં જ્યારે જયાના લગ્નની શરણાઈ ફૂંકાઇ ત્યારે જયાને હૈયે તો ફાળ જ પડી .. બસ હવે તો કાયમ માટે ભાભીને ભૂલી જ જવાનું !! સરલા ને જો કે આ વાતનું જયા જેટલું દુ:ખ ન હતું. ઉલ્ટાનું એ તો નણંદબાની વધારે મશ્કરી કરતી હતી….. એ બધુ ગમે તે હોય પણ લગ્નની હકીકતનો તો સ્વીકાર કરવો જ રહ્યો.. જયા ખૂબ રડી,સરલા ખૂબ રડી, બા બાપુજી અને ભાઇ પણ ખૂબ જ રડ્યો.. ને જયા સાસરે વિદાય થઇ.. બે ચાર દિવસ તો ઘર મહેમાનોથી ભરેલું રહ્યું એટલે સરલાને કે બાને જયાની બહુ યાદ ન આવી પણ ઘર ખાલીખમ થતાં જ બા તો જયાની યાદમાં બેબાકળાં બની ગયાં. સરલા તેમને સમજાવતી. બંને જણાં એ સારી રીતે જાણતાં હતાં કે દીકરી તો સાસરે જ શોભે તો ય એ જયાને ભૂલી શકતાં નહતાં….
દશેક દિવસ પછી જયા અને તેનો પતિ બા બાપુજી વગેરેને મળવા આવી ગયાં… તેમની સાથે જયાની નાનકડી નણંદ પણ હતી..!!! માત્ર દસ જ દિવસમાં જયાએ તેની નણંદને કેવું ક ઘેલું લગાડી દીધું કે એ ય એની ભાભી સાથે જ આવી ?? સરલા અને બા તો આ બધું જોતાં જ રહ્યાં, જયા અને એનો પતિ બે દિવસ રોકાયાં. સરલાએ અને બાએ જયા અને એની નણંદનાં (જે પંદરેક વર્ષની હતી ) સખિપણાં જોયાં. બેઉં આફરીન થઇ ગયાં. જયા જ્યારે સાસરે જવા નીકળી ત્યારે સરલા અને બા એકદમ હળવાં થઇ ગયાં હતાં કેમ કે એમને ખાતરી થઇ હતી કે જયા તેમના કરતાં પણ ચડિયાતી નીકળી છે. એ બે ય જણ જયાના જવાના ગમથી વ્યથિત થઇ રહ્યાં હતાં ત્યારે જયા તો એની નણંદ જોડે ટોળ ટપ્પાં કરતી અને હસતી રમતી થઇ ગઇ હતી. સરલાની જેમ જ્યાએ પણ પોતાનું ભાભીપણું દીપાવવાની શરૂઆત કરી જ દીધી હતી.. સાસરે નીકળેલી જયાની આંખોના ખૂણે આંસુ અને હોઠ પર સ્મિત હતું, બા અને સરલા તો જયાના આ વર્તનથી રાજી રાજી થઇ ગયાં હતાં … સરલા, જયા, બા તેમજ જયાની નાની નણંદ સ્નેહના મીઠાં ઝરમરિયે કેવાં ક ભીંજાણાં હતાં એની અનુભૂતિ તો એમના સિવાય બીજા કોઇને તો કઇ રીતે થઇ શકે ???
- અનંત પટેલ