અમદાવાદ : ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની જાન્યુઆરી-૨૦૧૯માં ચાલતી ટ્રેનમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં વિદેશ ભાગી ગયેલો અને મુખ્ય સૂત્રધાર આરોપી છબીલ પટેલ આજે વહેલી સવારે નાટયાત્મક રીતે અમદાવાદ એરપોર્ટ પરથી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના હાથે ઝડપાઇ ગયો હતો. જા કે, છબીલ પટેલની આટલા ગંભીર ગુનામાં સંડોવણી છતાં અને તે વિદેશ ભાગી ગયો હતો છતાં ૬૬ દિવસ બાદ આ રીતે કેમ અચાનક પોલીસ સમક્ષ સામેથી શરણાગતિ સ્વીકારી લીધી તેને લઇને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
છબીલને પોલીસના શરણે થવામાં ગુજરાતના અને હાલ કેન્દ્રમાં સ્થાન જમાવી બેઠેલા એવા કેન્દ્રના મોટા નેતાએ સમગ્ર ઓપરેશન પાર પાડયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું રચવાનો આરોપ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પર લાગ્યો હતો. હત્યા બાદ છબીલ પટેલ ફરાર હતો. આરોપી છબીલ પટેલ આજે વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પર ન્યૂયોર્કની અમીરાતની ફલાઇટ્સમાં આવ્યા કે તરત જ તેને એરપોર્ટ પરથી ઝડપી લેવાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં, છબીલ પટેલે સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી. જેમાં જયંતિ ભાનુશાળી સાથે રાજકીય અદાવત અને દુશ્મનાવટના કારણે તેમની હત્યા કરાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલો છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેનો પુત્ર સિધ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રહેતો હતો તે સિધ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો. છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી. સીટની ટીમે હવે આરોપી છબીલ પટેલના રિમાન્ડ માટે તેને ભચાઉ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પણ હાથ ધરી છે. રિમાન્ડ દરમ્યાન છબીલ પટેલની આકરી પૂછપરછ દરમ્યાન કેસના મહત્વના અને ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા સીટના અધિકારીઓએ વ્યકત કરી હતી.