હિંદુ તહેવારોમાં રક્ષા બંધન અને ભાઈબીજ આ બન્ને તહેવાર ભાઈ-બહેનના સંબંધોનો મહિમા વર્ણવતો તહેવાર છે. એક માતાની કુખે જન્મેલ આ બે પાત્રો દેખાવ, સ્વભાવ,વિચારસરણી અને બીજી કેટલીય રીતે અલગ પડતા હોવા છતાં લોહીના સઘળા સંબંધોમાં જો કોઈ ઉત્કૃષ્ટ સંબંધ હોય તો એ છે ભાઈ બહેનનો સંબંધ. એક એવી માન્યતા છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યમરાજા આ દિવસે એની બહેન યામીના ઘરે જમવા ગયેલા અને એને દીર્ઘાયુષ્યનું વરદાન આપેલું. એ દિવસથી ભાઈબીજનું પર્વ ઉજવવામાં આવે છે.
માન્યતા પ્રમાણે દીકરી સાસરે ગયા પછી એના ઘરનું પાણી નથી પીવાતુ, પરંતુ ભાઈબીજનો દિવસ એ ભાઈનો એની બહેનના ઘરે જમવાનો હક્ક છે. આ દિવસે બહેન પોતાના ભાઈને ભાવતું ભોજન જમાડી એના દીર્ઘાયુની મંગલકામના કરે છે. ભાઈ આ દિવસે પોતાની બહેનને યથાશક્તિ બક્ષીશ આપી પોતાનું હેત અને બહેનની રક્ષાની જવાબદારીનું ઉત્તરદાયિત્વ સ્વીકારે છે.