અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 ટકા વધારી દેવામાં આવ્યું છે, અને કિલોમીટર દીઠ ભાડામાં પણ વધારો કરાયો છે. રાજ્ય સરકારે પણ તેને મંજૂરી આપી દીધી છે.
આ સાથે જ, રિક્ષાનું મિનિમમ ભાડું 12 રુપિયાથી વધીને 15 રુપિયા થઈ ગયું છે.અત્યાર સુધી પહેલા મિનિમમ ભાડા બાદ પ્રત્યેક કિલોમીટર માટે આઠ રુપિયા ભાડું લેવાતું હતું, જેને વધારીને હવે 10 રુપિયા કરી દેવાયું છે. રિક્ષાના ભાડામાં થયેલા આ ભાવવધારાને જોકે અમદાવાદીઓ અયોગ્ય ગણાવી રહ્યા છે.
શહેરીજનોનું કહેવું છે કે, રિક્ષાચાલકો ભાડાપત્રક અનુસાર ભાડું લેવાને બદલે ઘણીવાર વધારે ભાડું માગે છે. હાલ પણ તેઓ મિનિમમ ભાડું 20 રુપિયા જ લે છે. તેમાંય સીએનજી રિક્ષા ચલાવવાનો તો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે. તેવામાં ભાડામાં વધારો કરવાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે.બીજી તરફ, રિક્ષાચાલક અસોસિએશન આ ભાડાંવધારાને યોગ્ય ગણાવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટિના સેક્રેટરી રાજવીર ઉપાધ્યાયનું કહેવું છે કે, સરકારે સીએનજીના ભાવ ફિક્સ કરવા જોઈએ, જેથી તેમાં કોઈ વધારો થાય તો તેનો બોજ સામાન્ય લોકો પર ન પડે.