અમદાવાદ : રાજકોટ શહેરના નવા ૧૫૦ ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને લઇ ખાસ કરીને પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલની હત્યાને લઇ અનેક તર્ક વિતર્ક અને અટકળો વહેતા થયા હતા. કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી એએસઆઇની સર્વિસ રિવોલ્વર મળી આવી છે. બંનેએ આ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળીઓ ધરબી આપઘાત કર્યાનું જાણવા મળી રહ્યું છે.
બીજીબાજુ, મરનાર મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ બંને વચ્ચે પ્રેમસંબંધ હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઇ કારણોસર આપઘાત કરી લીધો હતો.
રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. ૪૦૨માં રહેતા હતા. આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જા કે, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આત્મહત્યાના કારણોની તપાસ આરંભી છે અને સમગ્ર ઘટનાને લઇ વિવિધ પાસાઓને લઇ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.