* સફળતાનું સ્પીડ બ્રેકર– બહાનાબાજી *
મિત્રો, આપણે ગયા સપ્તાહે બહાનાબાજી-સફળતાનું સ્પીડબ્રેકર વિશેના પ્રથમ બહાના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આ ચર્ચાના આગળ વધારીએ.
નિરાશાવાદી અભિગમના મૂળમાં બહાનાબાજી છુપોયેલી હોય છે, સમાજના કેટલાક નિષ્ફળ વ્યક્તિઓનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે તેઓ નકારાત્મક વિચારસરણીથી ઘેરાયેલા હોય છે અને તેઓની પાસે કામ ન કરવાના અસંખ્ય બહાના હાથવગા હોય છે,બાહનાબાજી એક રોગ છે. આ રોગના બીજા બે લક્ષણો અહીં રજૂ કરેલા છે.
(૨) ઉંમરની બહાનાબાજી:-
શું તમે માનો છો કે ઉમર એ કોઈ પણ શ્રેષ્ઠ કામ ન કરવા માટેનું બાહનું હોય શકે?? જો તમે ઉમરને ધ્યાનમાં રાખો છો તો નિશ્ચિત માનજો કે તમને ક્યારેય સારી તક નહીં મળે. હમેશા હકારાત્મક વિચારો, જ્યારે પણ વિચારો ત્યારે એવું વિચારો કે હું યુવાન છું, મારી પાસે કામ કરવા માટે પૂરતી તક અને સામર્થ્ય છે. આપણે કેટલા મોટા કે નાના છીએ તે અગત્યનું નથી પણ જે તે કામ કરવાની તમે કેટલી તૈયારી બતાવો છો તે અગત્યનું છે. આપની ઉમર પ્રત્યેનો હકારાત્મક અભિગમ આપણને સફળતા, ઉત્સાહ અને આનંદ આપી શકે છે.
ઉમર પ્રત્યેનો અભિગમ બદલાતા સફળતાના દ્વારા આપોઆપ ખુલવા લાગે છે, અબ્રાહમ લિંકનના કાર્યકાળથી આપણે સૌ પરિચિત છીએ, તેઓની ધીરજ અને ખંતને પરિણામે તેઓ 51 વર્ષની ઉમરે અમેરિકાના પ્રમુખ બની શક્યા. જિંદગી આશાઑથી ભરેલી છે ત્યારે ઉંમરના બંધનો પાછળ તેને દબાવી દેવી ન જોઈએ, કેટલાક લોકો પોતાને ચોક્કસ બીબામાં ઢાળી દેતા હોય છે અને તેથી જ તેઓ એક રોબોટ જેવી ચોક્કસ ફોર્મેટમાં અને નક્કી કરેલા પ્રોગ્રામમાં જીવી જતાં હોય છે, જિંદગીને જીવવા માટે માનસિકતાને બદલવાની જરૂર છે, કેટલાક નિર્ણયો ભૂતકાળમાં નહોતા લેવાયા તો હજુ કઈ જ મોડું નથી થયું તેમ વિચારીને એ નિર્ણયો લઈ શકાય છે. વિચારોને ઉમર સાથે કોઈ જ સંબંધ નથી.
જે પણ કાર્ય કરવાનું છે તે આજે જ કેમ નહીં તે વિચાર થી શરૂઆત કરો, કોઈ પણ કાર્ય કરવા હું બહુ જ નાનો છુ, તમારી ઉંમર પહોંચીસ ત્યારે સફળ થઈશ, મારો પણ સમય આવશે, જેવી બહાનાબાજી પણ તમને સફળ થતાં રોકી શકે છે.
તમારા વર્તમાન વયને હકારાત્મક રીતે જુઓ,બસ નવી ક્ષિતિજો તમારી તરફ સફળતાનો સૂરજ લઈને આવશે અને જે પણ સમય વ્યતીત થયો છે એનાથી પણ વધુ નવું હજુ થઈ શકે છે તેવા પ્રયત્નોમાં લાગી જાવ, જિંદગી ખુશીઓથી ભરાઈ જશે.
(૩) માનસિક બહાનાબાજી :-
સફળતાના રસ્તાઓમાં અડચણ ઊભી કરે તેવો આ ત્રીજો રોગ છે, કેટલાક લોકો મનથી જ પોતાને હારેલો ખેલાડી સાબિત કરી ચૂક્યા હોય છે. જીવનની દોડમાં તેઓ ક્યારેય પ્રથમ ક્રમે આવશે જ નહીં અથવા તો આવી જ ન શકે તેવું તેઓએ મનોમન નક્કી કરી લીધું હોય છે.
તમારા વિચારો તમાર માટે ખૂબ જ વફાદાર હોય છે એટલે જ તમે એમ વિચારો છો કે તમે નિષ્ફળ છો તો સાચું માનજો કે તમે નિષ્ફળ જ છો, ક્યારેય તમે તમારી બુદ્ધિને અન્ય કરતાં ઓછી ન આંકશો, કારણ કે તમે જે વિચારો છો તેવું કદાચ બીજા લોકો નથી વિચારી શકતા, જે ક્ષિતિજને પેલે પાર તમને જે સફળતા દેખાય છે તે કદાચ અન્યને નથી પણ દેખાતી. તમારી બુદ્ધિ એ તમારી મૂડી છે અને તમારી મૂડીને સસ્તા ભાવે વેચી દેવાને બદલે તેનું રોકાણ કરો, એ સારો નફો કમાવવામાં મદદ કરશે, નકારાત્મક વિચારોને તમારા મગજમાંથી કાઢી નાંખો અને વારંવાર વિચારો કે તમે એક વિચારશીલ વ્યક્તિ છો, તમારા મગજમાંથી હમેશા ઉચ્ચ વિચારોનો જ જન્મ થાય છે તમારા વિચારો તમને સફળતા તરફ લઈ જઇ શકે છે, તમે તમારી બુદ્ધિ કરતાં પણ વધુ કામ કરી શકો છો. તમારી બુદ્ધિથી પણ વધારે સફળતા મેળવી શકો છો.
‘I AM THE BEST’નું સૂત્ર હમેશા તમારા મગજમાં રાખજો, સફળતા મેળવવા હું જે પણ કામ કરું છુ તેમાં વિવિધતા કેવી રીતે લાવી શકાય, કેવી રીતે કામને સરળ અને પ્રગતિમય બનાવી શકાય એમ સતત વિચારો અને તેઓ અમલ કરો.
હું બીમાર છુ, હું વૃદ્ધ છુ, હજુ મારી ઉમર જ થઈ નથી, હું કામને લાયક જ નથી, મારી ઉંમરે આ કામ કરવું અશક્ય છે જેવી માનસિક્તાના કોચલામાંથી બહાર આવો, તમારા સામર્થ્યને ઓળખો અને ભાવિને હજુ સુંદર કેવી રીતે કરી શકાય તેવા વિચારોમાં મગજને કામે લગાડેલું રાખો.
તમારી જાતને પુછો કે હું શેના માટે સર્જાયો છુ? “લોકોનો ઇતિહાસ વાંચવા કે ઇતિહાસ રચવા.“ તમે અનુભવી શકશો કે તમારી માનસિકતા કરતાં તમે કેટલા આગળ નીકળી ગયા છો. તમારો હેતુ સફળ કાર્યની એક આદત બનાવવાનો હોય તો આપે આ ત્રણેય બહાનાબાજીમાંથી બહાર આવવું પડશે.
નિષ્ફળ વ્યક્તિ જેને રસ્તાનો પથ્થર સમજીને બેસી જાય છે, તેને સફળ વ્યક્તિ પ્રગતિનું પગથિયું સમજી લે છે.
સાચા અર્થમા જોઇએ તો બહાનાબાજી એ એક એવુ સ્પીડબ્રેક્રર છે જે આપણી સફળતામા અવરોધ ઉભા કરે છે, બહાનાબાજીએ એક રોગ છે તેનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો તે વધી શકે છે..
- નિરવ શાહ