ઇશ્વરે આપેલ શક્તિ ગુરુને ગુરુપદ અપાવે છે
“ગુરુ ગોવિંદ દોનુ ખડે, કીસકો લાગુ પાય,
બલિહારી ગુરુ દેવકી, ગોવિંદ દિયો બતાય.”
આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુ-શિષ્ય વિશે કેટલીક વાતો…
કવિઓએ પણ ગુરુ અને ગોવિંદ બંનેમાં ગુરુ મોટા બતાવ્યા છે. ઇશ્વરને મેળવવા હોય, જોવા હોય તો ગુરુ વગર શકય નથી, ગુરુઓના પણ પ્રકાર હોય છે. કંઠીગુરુ, જનોઇગુરુ, જ્ઞાનગુરુ, સતગુરુ વગેરે વગેરે..
કંઠીગુરુ- પોતાના શિષ્યને કંઠી બાંધી સત આચરણને અનુસરવા, જનોઇગુરુ- જનોઇ આપી, જ્ઞાનગુરુ- જ્ઞાન આપી, સતગુરુ, ધર્મગુરુ ધર્મના સિંધ્ધાતોને આચરણમાં લઇ જીવન જીવતા શીખવાડે છે. ગુરુ વિનાનો નર નૂઘરો કહેવામાં આવે છે. પ્રાચીન યુગથી ગુરુનો મહિમા મોટો છે. રામ-લક્ષ્મણ, કૃષ્ણ-સુદામા, કૌરવો-પાંડવોના સમયમાં ગુરુને કેટલો માન મરતબો મળતો હતો. ગુરુની સેવામાં પોતાના જીવની પણ પરવાહ કરતાં નહોતા. તે સમયમાં ગુરુ અને ગુરુ દક્ષિણા મહાન હતા.
એકલવ્યને શિક્ષા આપવાની ન પાડતા, તેણે માટીથી ગુરુ દ્રોણાચાર્યનું મૂર્તિ બનાવી તેમાંથી પ્રેરણા મેળવી શસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરી હતી. જયારે ગુરુ દ્વોણે જાણ્યું અને જોયું કે એકલવ્યની શસ્ત્રવિદ્યા સામે અર્જુન પણ ટકી શકે તેવો નથી, ત્યારે એકલવ્ય પાસે ગુરુ દક્ષિણામાં તેના જમણાં હાથનો અંગુઠો માંગ્યો, એકલવ્યે એક પળનો પણ વિચાર કર્યા વગર હસતે મુખે જમણા હાથનો અંગુઠો કાપી દીધો. આવી હતી ગુરુ ભક્તિ, આતો હતી સતયુગની વાત..!
અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુના પૂજન-અર્ચન–દાન અને દક્ષિણાનો દિવસ ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા એટલે આખા વર્ષમાં આવતી પૂનમોમાં સૌથી મોટી પૂનમ. ગુરુ વિના જ્ઞાન મળતુ નથી, પછી ભલે ને મોટા ઇજનેર હોય, ડોકટર હોય કે પંડિત હોય, પણ તેના મૂળમાં એટલે કે પાયામાં તો ગુરુ જ હોય છે. ગુરુની દોરવણી સાચી રાહ બતાવનાર છે. ગુરુ મોટા જ હોય તેવું પણ નથી હોતું. નાની ઉંમરમાં પણ ઘણા સાચી રાહ, સાચો બોધ સાચી વાત દર્શાવે છે. સત્સંગના માધ્યમથી નાના પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે.
કવિ કાલિદાસ પણ મહાન જ્ઞાન ગુરુ બની ગયા. અને તેમની કૃતિઓ અને કાવ્યોથી આપણને સાચો રસ્તો દેખાડે છે. ગુરુ ભણેલા જ બને, ડીગ્રી હોય તો જ બને તેવું નથી. ગુરુ બનવું એ તો ઇશ્વરે આપેલ શક્તિ, જે ગુરુને ગુરુપદ અપાવે છે.
અખો – નરસિંહ મેહતા કયાં ભણવા ગ્યાં હતા? ગુરુ પોતાની આગવી સૂઝ, સમજ અને ઇશ્વર તરફથી મળેલ પ્રેરણાથી પોતાનું પદ શોભાવે છે.
ચાલો આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિને આપણા ગુરુજીને લાખ લાખ વંદન કરી વિરમીએ.
જય ગુરુદેવ…
- કમળા જોશી