ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આગામી ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે તા. ૯ જાન્યુઆરીના રોજ માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.આ મહોત્સવની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ આજરોજ શામળાજી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમની સાથે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની ટીમે સ્થળનિરીક્ષણ કર્યું અને વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગીય અધિકારીઓ તેમજ શામળાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા, પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અન્ય આવશ્યક વ્યવસ્થાઓ પર ભાર મૂકીને ભવ્ય અને સુવ્યવસ્થિત મહોત્સવ માટે માર્ગદર્શન આપ્યું હતું.શામળાજી મહોત્સવ દરમિયાન હજારો યાત્રિકોની ઉપસ્થિતિ અપેક્ષિત છે, જેમાં ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે, જેથી યાત્રિકોને કોઈ અગવડતા ન પડે અને મહોત્સવ સફળતાપૂર્વક યોજાય.આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શામળાજી મહોત્સવ ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે અને તેને વધુ ભવ્ય બનાવવા સરકાર કટિબદ્ધ છે.
