અનેરી તૃપ્તિ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અનેરી તૃપ્તિ


રમીલા બેનના પતિ લેખક હતા. બહુ મોટા ગજાના તો નહિ ને સાવ નવા નવા પણ  નહિ. તેમનાં વાર્તા અને કવિતાનાં પાંચ છ પુસ્તકો પણ પ્રગટ થયેલાં. તેમના સમાજના કે કુટુંબના લોકો કુમુદચંદ્રની લેખનની પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ પણ રમીલાબેન તો કોઇ વાર્તા કે કવિતાની વાત કાઢે તો કહેતાં કે,

–” ભઇ મને  વાર્તા કે કવિતાની વાતમાં કશી ગતાગમ પડે નહિ એટલે  મારે તો કાંઇ હાંભળવું નથી…”

— ” આ બધું ભઇ તમને બધાંને હારુ ફાવે એટલે તમ તમારે વાંચો…મને એમાં ભેળવશો નહિ…”

— મને તો મારો કાનુડો અને રાધાજીનાં ભજન બહુ જ ગમે હોં , એવું કાંક હોય તો હંભળાવજો..”..”

આમ રમીલાબેન એમના પતિની સાહિત્યની પ્રવૃત્તિથી સાવ અજાણ્યાં તો નહિ પરંતુ એ ખાસ રુચિ કે રસ એમાં દાખવતાં નહિ. અને કુમુદચંદ્રને પણ એ બાબતે કંઇ વાંધો ન હતો, કેમ કે એક લેખક હોવાથી એ વાત ખૂબ સારી રીતે જાણતા હતા કે વાર્તા કે કવિતામાં કોઇને દબાણ કરીને રસ લેતા કે વાંચતા કરી શકાય નહિ. મનમાં કંઇક વિચાર આવી જાય ને વ્યક્તિ સ્વયંમ એમાં રસ લે તો જ ખરું. એમની વાર્તા કે કવિતા અવાર નવાર સામયિકોમાં છપાતી એટલે એના અંકો એમના ઘેર ટપાલમાં આવતા રહેતા. રમીલાબેનને આ બધા અંકો પસ્તીમાં વધારા જેવા લાગતા પણ એવું કશું એ બોલતાં નહિ. આમ તો દરેક છાપુ કે સામયિક છેવટે તો પસ્તી જ થવાનું હોય છે તેમ છતાં એ પહેલાં જેને જે વિષયમાં રસ હોય તેણે  તો તે વાંચી જ લેવું  જોઇએ.

એક દિવસ સ્ત્રીઓને લગતું એક મેગેઝિન રમીલાબેન ફેંદતાં હતાં ત્યારે એક નાની વાર્તાનું શીર્ષક રસ પડે તેવું લાગતાં તેનાથી આકર્ષાઇ એમણે એ આખી વાર્તા ધ્યાનથી વાંચી કાઢી. પછી બહાર હીંચકે બેઠેલા કુમુદચંદ્ર તરફ જોઇને બોલ્યાં,

” આ ચોપડી આવી છે તેમાં તમારી વાર્તા હું તો શોધ્યા કરું છું પણ મને તો જડી જ  નહિ તો આમાં તે છપાઇ છે ખરી ? ”

આ સાંભળી કુમુદચન્દ્રને પ્રથમ તો આશ્ચર્ય અને પછી જોરદાર આનંદ થયો. એ તો ઉભા થઇ એમની પાસે આવીને બોલ્યા ,

” તે તમે હમણાં ધ્યાનથી વાંચતાં હતાં તે એ શું વાંચતાં હતાં ? ”

” આ એક વાર્તા એના મથાડા પરથી મને વાંચવા જેવી લાગી તે વાંચી ગઇ, પણ તમારી વાર્તા તો બતાવો…”

કુમુદચન્દ્ર એમની પાસે ગયા અને જોઇને હસી પડ્યા પછી તરત બોલી ઉઠ્યા,

” લે તું ય કેટલી કમાલ કરે છે ? આ તેં વાંચી એજ વાર્તા તો મારી છે , જો એમાં લેખકનું નામ મારું જ છે પણ એ ઝીણા અક્ષરોમાં છે એટલે તેં ધ્યાનથી જોયું જ લાગતું નથી. ”

” હેં……”  કરતાં ક એ તો એકદમ ભોંઠાં પડી ગયાં . પણ પછી હસતાં હસતાં બોલ્યાં,

” લ્યો ત્યારે અમારે તો એવું, અમને એવી લેખકના નામની માહિતી જાણવાની બહુ ગતાગમ પડે નહિ.. પણ જો આ વાત ખરેખર તમે લખેલી હોય ને તો  વાર્તા તો તમે હારી લખી છ હોં ક …. ”

રમીલાબેનનું  ભોળપણ કુમુદચન્દ્રને એટલું બધું ગમી ગયું કે પૂછો ના વાત.. એમને સૌથી વધુ આનંદ એ વાતનો હતો કે જીવનમાં પહેલી જ વાર એમના કહ્યા વગર જ એમનાં ધર્મપત્નીએ એમની વાર્તા  અજાણપણે પણ પૂરેપૂરી વાંચી અને અંતે એ એમને ગમી ગઇ  એવું ય નિખાલસતાથી એ બોલ્યાં હતાં…..!!!! આજે કુમુદચન્દ્રને થયું કે એમનાં પત્ની પણ એમને ઘણી  પ્રેરણા આપી શકે એમ છે….એ ક્યાંય સુધી કશીક તૃપ્તિ અનુભવી રહ્યા……માણસને બહારના લોકો એની પ્રશંસા કરે એ તો ગમતું હોય પણ જ્યારે પોતાનું અંગત  કોઇક અને એમાં ય પત્ની તરફથી એવા કંઇ બે ચાર સારા શબ્દો સાંભળવા મળે તો એની અનુભૂતિ વધારે સંતોષ અને આનંદ આપનારી અચૂક બની રહે છે. અને પછી તો તે વ્યક્તિ ઘણા સમય સુધી એ તૃપ્તિ માણતો જ રહે છે….

અનંત પટેલ

Share This Article