અત્યાર સુધી….
સ્વીકૃતિ બહારથી ઘેર આવે છે અને કોઈ અજાણ્યા નંબર પરથી તેને ફોન આવવાના શરૂ થઈ જાય છે. પહેલી વારમાં ફોન કપાઈ જાય છે અને એ જ સમયે તેને પોતાના ફોનની લોકસ્ક્રીન પર અંજામના ત્રણ અનરિડ મેસેજ દેખાય છે. એટલી વારમાં ફરીથી ફોન ઉપાડતાની સાથે જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે અને હવે આગળ…..
પ્રકરણ ૨
“ઈધર વિરાટનગર ક્રોસ રડ પે કોઈ સાહબ હૈ, ઊનકા એક્સિડેન્ટ હો ગયા હૈ… ઊનકો 108 મેં સિવિલ હોસ્પિટલ લે જા રહે હૈ ઔર મૈં ઈલ્માઝભાઈ બાત કર રહા હૂં, વો હી ચાર રસ્તે પે મેરી મટન કી દુકાન હૈ ઔર મેં સાહબ કા વોલેટ ઔર મોબાઈલ ફોન પુલિસ સ્ટેશન મેં જમા કરવા રહા હૂં. આપ વહાં સે લે લેના…ઔર સાહબ કા નામ હૈ…” ઈલ્માઝભાઈના એક એક શબ્દ સાથે સ્વીકૃતિની ધડકન તેજ થઈ રહી હતી અને એના મનમાં એક જ ડર હતો કે અંજામે મજાકમાં કહેલી એ છેલ્લા મેસેજ વાળી વાત ક્યાંક સાચી ન પડી જાય.
“ઔર સાહબ કા નામ હૈ……”
*******
કુછ રિશ્તે તાઉમ્ર બેનામ રહે તો હી અચ્છા,
નામ દિયે જાને વાલે રિશ્તે અક્સર બદનામ હો જાતે હૈ
અંજામ
હજી તો અંજામે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એનું વન લાઈનર મૂક્યું જ છે ત્યાં તો ધડાધડ એના સ્ટેટસ પર લાઈક્સ અને કમેન્ટ્સ આવવા લાગી. અચાનક જ અંજામનું ધ્યાન તેના ઈન્સ્ટા ચેટ વન્ડોપર પડ્યું અને જેવું તેણે એને ખોલ્યું… તરત જ તેની નજર સામે એક રિવ્યૂ મેસેજ આવી ગયો.
“બહુ કડવું લખો છો તમે”, સામી વ્યક્તિનો મેસેજ હતો.
“એ મારી ફિતરતમાં જ છે. જન્મથી જ કરિયાતુ પીવાનો અને પીવડાવવાનો શોખીન છું”,અંજામે પ્રત્યુત્તર આપ્યો.
“વ્યક્તિ પણ એવા જ છો કે શુ ?”, સામેથી વળતો પ્રશ્ન આવ્યો.
“બેશક… ન તો મને મીઠું બોલવાનો શોખ છે અને ન તો મીઠા બનવાનો”
“કારણ ?”
“ઝેર તો પીધા છે જાણી જાણી….”
“ઓહો.. આશિક લાગો છો મેઘાણીસાહેબના… નાઈસ ટુ મીટ યુ”
“પંચોળી સાહેબના..મનુભાઈ પંચોળી સાહેબના આશિક છીએ… મેઘાણીજી તો અમારા આરાધ્ય કહેવાય અને રહી વાત નાઈસ ટુ મીટ યુ ની તો હજી તો આપણે મળ્યા જ ક્યા છીએ.”
“હા, તો મળી લઈએ”
“શક્યતા જ નથી”
“કેમ, અપંગ છો ?”
“ના, તમે મને સહન નહિ કરી શકો”
“અચ્છા, કારણ જાણી શકું ?”
“સત્ય બોલી જઈશ કોઈ બાબતમાં તો ગળેથી ઊતારી નહિ શકો”, અંજામ ઉપરાઉપરી તર્કબદ્ધ બાણ છોડી રહ્યો હતો.
“ગળા નીચે ઊતારવું પડે એનું નામ જૂઠ. સત્ય તો સ્વીકરાવાનું હોય”, તો સામી વ્યક્તિ પણ પ્રત્યુત્તરમાં પ્રક્ષેપાસ્ત્રો છોડી રહી હતી.
“ઘમંડી અને એક નંબરના વાહિયાત માણસ છો”, અંજામે કંટાળીને વાત પૂરી કરવા બ્રહ્માસ્ત્ર છોડ્યું.
“જીભ સંભાળીને વાત કરો વડીલ. દુનિયાથી છુપાઈને ઈન્સ્ટા પર વનલાઈનર મૂકવા સહેલા છે અને દુનિયાની સામે રહીને અપમાનના ઘૂંટડા ગળવા એટલું જ અઘરું… મને એ જ ખબર નથી પડતી કે તમે સેલિબ્રિટી લોકો પોતાની જાતને સમજો છો”, ઉપરાઉપરી આવી રહેલા મેસેજથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું કે સામી વ્યક્તિનો પારો હવે સાતમા આસમાને પહોંચી ચૂક્યો હતો. બીજી તરફ અંજામ પોતાના ઈન્સ્ટા પેજ “અંજામ કી અનકહી” ની પ્રોફાઈલ એડિટ કરી રહ્યો હતો. થોડી વાર પછી તે ફરી પોતાના ચેટ વિન્ડો પર પાછો ફર્યો અને તેના ચહેરા પર એક આછા સ્મિતની ઝલક વર્તાઈ રહી હતી. આટલી લાંબી વાતચીત બાદ હવે અંજામને એ વ્યક્તિનું નામ વાંચવાનો ખ્યાલ આવ્યો.
મિસ. સ્વીકૃતિ “નૂર”
“ઓહો મિસ નૂર..તમે તો ઘણા અકળાઈ ગયા. મે તો ફક્ત મજાકમાં જ તમને ઘમંડી અને વાહિયાત કહ્યા હતા પણ મને નહોતી ખબર કે તમે કથિત સત્યને આટલું જલદી સ્વીકારી લેશો. એવા પહેલા વાચક લાગી રહ્યા છો મારા આર્ટિકલ્સ અને કોલમના, જેણે મારી એક બાબતને જીવનમાં ઊતારી લીધી છે. સોરી ફોર ધિસ ક્રેપ જોક એન્ડ આનંદ થયો તમારી સત્યને સ્વીકૃતિ આપવાની આ ટેવને જોઈને… નિશ્ચિત પ્રયાસ રહેશે મારો એક એવી વ્યક્તિને મળવાનો કે જે કરિયાતુ પીવામાં આનંદ માણે છે.”, અંજામે સ્વીકૃતિના સવાલનો જવાબ આપીને ફોનને સાઈડ મૂક્યો અને દીવાન પર લંબાવ્યું.
સ્વીકૃતિના સવાલ પૂછવાની રીતે આજે પહેલી વાર અંજામને કઈંક વિચારવા મજબૂર કરી દીધો હતો. અંજામ એક નવોદિત લેખક, કોલમિસ્ટ અને અમુક અંશે વિચારક પ્રકારની વ્યક્તિ હતો. તે સામાન્ય રીતે પડદા પાછળ રહીને કામ કરવાનું પસંદ કરતો અને મહદંશે રૂબરૂ કોઈ પણ વ્યક્તિને મળવાનું ટાળતો. તેની જિંદગી ફક્ત એના 12 બાય 10 ના રૂમમાં એક ટેબલ, રિવોલ્વિંગ ચેર, એનું લેપટોપ, એક પર્સનલ ડાયરી જેમાં તે તેના રેન્ડમ વનલાઈનર ટપકાવતો એ અને સામે પડેલી સરસ્વતી માતાની મૂર્તિ પૂરતી જ સીમિત હતી. હંમેશા ચેટિંગથી દૂર ભાગતો અંજામ આજે એના રૂમની યલો ડીમ લાઈટમાં ચહેરા પર બેચેનીની રેખાઓથી ઘેરાયેલો દેખાયો. અચાનક તેના ફોનમાં નોટિફિકેશન લાઈટ ચમકી અને જેવું તેણે ફોનમાં નોટિફિકેશન જોયું કે તરત જ તેના ચહેરા પર એક ચમક આવી ગઈ.
(ક્રમશ:)