એન એક્સિડેન્ટલ રિલેશનશિપ – પ્રકરણ- ૧

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સ્વીકૃતિએ આવીને એનો દુપટ્ટો પલંગ પર ફેંક્યો. આવતાવેંત સીધા પોતાનો ધૂળથી ખરડાયેલો ચહેરો ધોવા તેણે વોશ બેસિન તરફ પગ ઊપાડ્યા જ હતા અને અચાનક કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવતા તેનો સ્માર્ટફોન “તેરે સંગ પાનિયો સા… પાનિયો સા… પાનિયો સા.. બહેતા રહૂ” નું ગીત ઊંચા અવાજે ગાવા લાગ્યો. સ્વીકૃતિના ચહેરા પર ફેશવોશ લાગેલુ હતુ અને ફોનની રિંગટોન તેની ચરમસીમાએ ગૂંજી રહી હતી. ફોન ઊપાડવાની લ્હાયમાં સ્વીકૃતિએ સુપરસોનિક સ્પીડે પોતાનો ચહેરો બેસિન પાસે લટકેલા રૂમાલથી લૂછ્યો અને ત્યાં જ ફોનની રિંગ રણકતી અટકી ગઈ.

“ત્રાસ છે આ ફોનનો, જ્યારે વાત કરવાનો મૂડ હોય ત્યારે એનો કોલ આવતો નથી અને માણસ આમ ઘરમાં થાક્યું પાક્યું આવીને બેઠું ન હોય ત્યાં એની રિંગો ધણધણે.” અંજામના ફોનની રાહ જોઈ જોઈને કંટાળેલી સ્વીકૃતિએ બળાપો કાઢ્યો. અજાણ્યો નંબર જોઈને તેણે એ કોલને ઈગ્નોર કર્યો અને પેન્ડિંગ પડેલી ચેટ જોવા તેણે પોતાનું વોટ્સએપ ખોલ્યું. એક જ ઝાટકે 438725 પાસવર્ડ નાખ્યો અને પેન્ડિંગ પડેલી 20 ચેટમાંથી તેણે સૌથી પહેલા અંજામનું નામ શોધ્યું. અંજામના ચેટ વિન્ડોની બાજુમાં ત્રણ પેન્ડિંગ મેસેજ હતા, જે કઈંક આ મુજબ હતા….

“થેંક્સ ફોર ધિસ મચ કેર નૂર… આજ પહેલા કોઈએ મારી આવી સંભાળ નથી લીધી જે આ છેલ્લા દસ દિવસની આપણી મુલાકાતમાં તે લીધી છે.”

“પણ ધ્યાન રાખજે કારણ કે જે લોકો મારી કેર કરે છે તે ટૂંક જ સમયમાં હંમેશા માટે મારાથી દૂર ચાલ્યા જાય છે. જેમ મે આપણે પહેલી ચેટમાં કહ્યું હતું.”

“જો કે આ વખતે એવું થશે તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આ વખતે તને મારાથી નહિ પણ મને તારાથી દૂર કરી દે. આમ તો બંને વાત એક જ જેવી છે પણ ગુજરાતી થોડી પેચીદી ભાષા છે. એને સમજવા એના વાક્યોમાં ડૂબી જવું પડે તો જ ચોક્કસ નિષ્કર્ષ મળે. લિવ ઈટ… ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ડિમ્પલ વાલી સ્માઈલ ઈવન મૈ રહૂં યા ના રહૂં ..”

વીસ જ સેકન્ડમાં સ્વીકૃતિએ એક જ ઝાટકે એના ત્રણેય મેસેજ વાંચી નાખ્યા અને એક આછા સ્મિત સાથે તેના ડિમ્પલ વાળા ગાલ પર એક આંસુ સરકી પડ્યું અને એ ખંજનના ખાડા પાસે આવીને અટકી ગયું.

પહેલા મેસેજે તો સ્માઈલ લાવી દીધી એના હોઠ પર પણ બાકીના બે ફિલ્મી ડાયલોગ ટાઈપ મેસેજ વાંચતાની સાથે જ સ્વીકૃતિના મનમાં ફાળ પડી. અંજામ લગભગ પોતાના હસમુખા સ્વભાવથી એને હસાવવાનો પ્રયાસ કરતો અને ઘણી વખત એ જ રીતે મજાક મજાકમાં કડવું સત્ય પણ ટપકાવી દેતો. છેલ્લા મેસેજનું છેલ્લું વાક્ય વાંચતા જ તેની આંગળીઓ ફોનના ડાયલર સુધી પહોંચી ગઈ અને બરાબર એ જ સમયે ફરી વાર એ જ અજાણ્યા નંબર પરથી તેને ફોન આવ્યો. ખિજાઈને તેણે જેવો ફોન રિસીવ કર્યો અને તેનો ફોન એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી ધ્રૂજી ગયો.

“હેલો…હેલો… કોણ છે ??… કોનું કામ છે….??”, ચિડાયેલી સ્વીકૃતિએ વીજળીવેગે સવાલોનો મારો ચલાવ્યો.

“સ્વીકૃતિ મેડમ બાત કર રેલે હૈ…??” સામેથી કોઈએ લુખ્ખા છાપ ભાષામાં વાત કરી.

“હા. મૈ હી હૂં.. બોલો ક્યા કામ હૈ..”

“ઈધર વિરાટનગર ક્રોસ રોડ પે કોઈ સાહબ હૈ, ઊનકા એક્સિડેન્ટ હો ગયા હૈ… ઊનકો 108 મેં સિવિલ હોસ્પિટલ લે જા રહે હૈ ઔર મૈં ઈલ્માઝભાઈ બાત કર રહા હૂં, વો હી ચાર રસ્તે પે મેરી મટન કી દુકાન હૈ ઔર મેં સાહબ કા વોલેટ ઔર મોબાઈલ ફોન પુલિસ સ્ટેશન મેં જમા કરવા રહા હૂં. આપ વહાં સે લે લેના…

ઔર સાહબ કા નામ હૈ…”

(ક્રમશ:)

  • આદિત શાહ

 

sjjs

 

 

Share This Article