અત્યાર સુધી….
અંજામની ઓફિસમાં તેની મિત્ર રાજશ્રીના રેફરન્સથી એક છોકરી ઈન્ટરવ્યૂ માટે આવે છે અને એ પછી સર્જાય છે એક અલગ જ ટ્વિસ્ટ. પહેલી વાર અંજામ અને સ્વીકૃતિ એકબીજાની સામે સાચા નામ સાથે હાજર થાય છે અને અંજામને જાણવા મળે છે કે આ એ જ સ્વીકૃતિ છે, જેની સાથે તે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતો હતો અને આ એ જ છોકરી હતી જેને તે કેફેમાં મળ્યો હતો. થોડા સમય પછી અંજામના જન્મદિનની ઊજવણીનું સિક્રેટ પ્લાનિંગ થઈ રહ્યું હોય છે. હવે આગળ…..
પ્રકરણ 9
“સરપ્રાઈઝ”, જેવો અંજામ અંદર આવ્યો કે એક સાથે આખી તથાગતની ટીમે અંજામને વિશ કર્યુ.
અનપેક્ષિત સરપ્રાઈઝને લીધે અંજામના ચહેરા પર એક આછું સ્મિત આવી ગયું.
“થેંક યુ દોસ્તો, શુ જરૂર હતી આ બધાની , તમને ખબર તો છે હું આ બધામાં નથી માનતો”, અંજામે કહ્યું.
“પ્લીઝ, હવે ફોર્મલ નહિ બન.” રાજશ્રીએ તેને બરડામાં ધબ્બો મારતા કહ્યું.
“હા, તને ખબર તો છે કે મારા અને નૈનેશના આ બાબતમાં લેવાયેલા કોઈ પણ ડિસીઝન પર તારું કઈં જ નહિ ચાલે”, જાનવીએ ટાપસી પૂરી.
“હા, એ નાલાયક ક્યા છે ???, એને લાવો તો મારી સામે” અંજામે નૈનેશને શોધતા ચારેકોર નજર ફેરવી.
“એ નાલાયક અહિંયા છે” અચાનક એની પાછળથી અવાજ આવ્યો પણ એ વાત તો ચોક્ક્સ હતી કે તે અવાજ નૈનેશનો ન હતો અને જેવો અંજામ ઊંધો ફર્યો કે તરત જ તેના મોઢા પર છૂટ્ટી કેક આવી અને એ પછીની પાંચ મિનિટમાં અંજામની સાથે સાથે આખી ઓફિસ કેકમય થઈ ગઈ હતી.
“શુભમ, આ અવાજ શુભમનો છે ને… ???” અંજામે કેક સાફ કરતા કરતા પૂછ્યું.
“વાહ, મારા ભાઈ ઓળખી ગયો”
“ઓળખુ જ ને મારા ભાઈ. કોલેજથી સાથે છીએ અને કેરિયર પણ જોડે જ બનાવ્યું છે.”
……અને બંને પંચાવન મહિના જૂના મિત્રો ગળે વળગી પડ્યા. એ લાઈવ ગિફ્ટ બીજું કોઈ નહિ, બસ આ જ શુભમ હતો. એ પછીનો આખો દિવસ અંજામ માટે યાદગાર અને વગર કામે વ્યસ્ત બની રહ્યો. સમગ્ર દિવસ દરમ્યાન અંજામનું ધ્યાન મિત્રોમાં અને સ્વીકૃતિનું ધ્યાન અંજામના સ્મિતમાં હતું.
*******
રાતના નવ વાગ્યા હતા. અંજામે તમામને ડિનર પાર્ટી આપી દીધી હતી. નૈનેશ પણ શુભમને લઈને એરપોર્ટ પર ડ્રોપ કરવા જઈ ચૂક્યો હતો કારણ કે રાત્રે 11 વાગ્યાની તેની ફ્લાઈટ હતી. જાનવી, નેહા અને ખાન પણ પોતપોતાના વ્હિકલ લઈને નીકળી ગયા હતા. તે દિવસે અંજામ પોતાની સ્વિફ્ટ લઈને આવ્યો હતો. તેથી રાજશ્રીએ તેને તેના ઘર સુધી ડ્રોપ કરી જવા કહ્યું. અંજામે હામી ભરીને કાર સ્ટાર્ટ કરી. સુભાષબ્રિજ સર્કલ પરથી તેણે ગાડી વાયા નારાયણ ઘાટ રિવરફ્રન્ટ પર લઈ લીધી અને થોડીક મિનિટના ડ્રાઈવ બાદ તેણે ઘડિયાળમાં જોઈ સમય તરફ નજર કરી.
“તને લેટ તો નથી થતું ને, રાજશ્રી ???”, અંજામે મિરરમાં જોઈને પાછળ બેઠેલી રાજશ્રીને પૂછ્યું.
“ના, તુ સંસ્કારમાં આઈસક્રીમ ખવડાવતો હોય તો તો જરાય નહિ, કેમ ???”
“હા, તો ઘણા દિવસથી બ્રેક નથી લીધો કામમાંથી તો ચાલો આજે વાતાવરણની મજા માણીએ. બેસીએ ક્યાંક”
આ સાંભળીને સ્વીકૃતિના ચહેરા પર એક સ્મિત આવી ગયું, જે રાજશ્રીથી છૂપું ન રહ્યું.
“અચાનક કેમ આવું સૂઝ્યું તને ???”, રાજશ્રીએ સ્વીકૃતિને કોણી મારતા મજાકમાં પૂછ્યું.
“બસ, આમ જ…ઈચ્છા થઈ ગઈ.”
“બકા, તને હું જેટલું જાણું છું ને એટલું તો તારી એક્સ ગર્લફ્રેન્ડ પણ તને નહિ જાણતી હોય. રૂમની ચાર દિવાલોમાં પૂરાઈને રહેવાવાળો માણસ આમ ખુલ્લા વાતાવરણનો શોખીન ક્યારથી થઈ ગયો ???” રાજશ્રીનો પ્રશ્ન પૂરો થાય એ પહેલા જ એણે જોરથી કારમાં બ્રેક લાગતી અનુભવી.
અંજામે એકદમ જ શોર્ટ બ્રેક મારીને કાર રોડની ડાબી તરફ ઊભી રાખી દીધી અને જે નજરથી તેણે રાજશ્રી સામે જોયું, સ્વીકૃતિ તો સ્તબ્ધ જ રહી ગઈ હતી. જાણે તેની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા હતા. તેણે રાજશ્રી સામે જાયું પરંતુ રાજશ્રીના હાવભાવ એકદમ નોર્મલ અને તેનો ચહેરો એકદમ શાંત હતો. તેને માટે આની કઈં નવાઈ ન હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી અંજામને જાણતી હતી. જે રીતે તેણે અંજામને તૂટતા, ઊભો થતા, ફરી પડતા અને ફરી ઊભો થતા જોયો હતો, તે તેના સ્વભાવથી વાકેફ હતી. તે જાણતી હતી કે આ ગુસ્સો કોઈ ફિલસૂફીભરી વાતથી ચાલુ થશે, થોડી દલીલોમાંથી પસાર થશે અને સંસ્કારના માવાગ્રીન આઈસક્રીમ પર આવીને પૂરી થઈ જશે.
“દેખ શ્રી, તુ મારી બધી વાત જાણે પણ છે અને સમજે પણ છે. પહેલા પણ કહ્યુ હતું અને હજી પણ કહું છું. મારા અતીતને આમ મારી સામે ન લાવ્યા કર. તને પણ ખબર છે કે હું આમાથી બહાર અહીં સુધી કઈ રીતે આવ્યો છું અને કેમ આવ્યો છું તો મહેરબાની કરીને મને પાછો અંદર ના ધકેલ. જે પાના બંધ થઈ ચૂક્યા છે એને ફરીથી ના પલટાવ.”, અંજામની આંખમાંથી એક આંસુ સરકતું સરકતું એના ગાલ પર આવીને અટકી ગયું. એ આંસુ આવ્યું તો હતું અંજામના ગાલ પર પરંતુ ડૂમો સ્વીકૃતિના ગળે ભરાઈ રહ્યો હતો. તેને જાણે અચાનક જ કોઈ પીડાનો પારાવર અનુભવ થયો.
“યાર, પ્લીઝ તમે બંને પહેલા લડવાનું બંધ કરીને અહીંથી કાર કાઢશો. મને ગભરામણ થઈ રહી છે.”, સ્વીકૃતિએ સખત કંટાળાજનક અવાજમાં પોતાની મનોદશા વ્યક્ત કરી.
તેના હાવભાવ અને અકળામણ જોઈને અંજામે કારને સ્ટાર્ટ કરી અને ફરી રિવરફ્રન્ટના રોડ પર પૂરપાટ દોડાવી મૂકી. છેલ્લા થોડા સમયની રોજની જોડે કરવામાં આવતી મુસાફરી, સ્વીકૃતિ અને અંજામ બંનેની એકબીજા માટે લેવામાં આવતી કેયર હવે તે બંનેને એકબીજાને સમજવા તરફ લઈ જઈ રહી હતી. અંજામ અને સ્વીકૃતિ લગભગ રોજ હવે સાથે જ આવતા પરંતુ સાંજે જવાનો સમય અલગ રહેતો. –સાચવીને જજે અને ઘેર પહોંચીને મેસેજ કરી દેજે” એવા ટેક્સ્ટ તેમને એકબીજાની નજીક લાવી રહ્યા હતો તો બીજી તરફ અંજામ એટલું જ સ્વીકૃતિથી દૂર રહેવાનો પ્રયાસ કરતો. લાંબા સમયની દોસ્તી હોવા છતાં બંનેએ ક્યારેય પોતાનો ભૂતકાળ એકબીજા સાથે શેયર કરતા ન હતા કારણ કે બંનેને કોઈક અજાણ્યો ડર હતો. સ્વીકૃતિ જ્યારે પણ કોઈ વાતે અંજામ પર આધારિત હોવાનું વ્યક્ત કરતી ત્યારે તે હંમેશા તેને કહેતો કે “નૂર, મારી ટેવ ના પાડીશ. હં નશા કરતા પણ ખરાબ છું.” અને સ્વીકૃતિ તેને કહેતી કે,”હવે જિંદગીથી કઈં સારાની અપેક્ષા પણ નથી. આમ તો કોઈ અપેક્ષા જ ન હતી જિંદગીથી, અને જિંદગી એ અપેક્ષા પર પણ ખરી ઊતરી.” અને એ પછીની થોડી મિનિટોમાં તેમનો સંવાદ સમેટાઈ જતો.
“તુ અને તારો વાહિયાત અતીત”, રાજશ્રીએ કારની વિન્ડોની બહાર તરફ જોતા પ્રત્યુત્તર આપ્યો.
“ત્રણ વરસ થઈ ગયા દોસ્ત અને હવે એ વ્યક્તિ પણ પોતાની જિંદગીમાં આગળ વધી ચૂકી છે તને ભૂલીને. એના લગ્નને પણ આઠ મહિના થવા આવ્યા છે. એની સગાઈ પછીના છેલ્લા એક વરસ અને લગ્ન પછીના આઠ મહિનામાં હું એને ઘણી વાર મળી છું પણ ના તો મે એની નજરમાં તારા માટેની કોઈ તડપ જોઈ છે, ના કોઈ ઈચ્છા, ના તને ગુમાવવાનો અફસોસ કે ના તારી સાથે ગલત કર્યાનું દુખ”, રાજશ્રીએ ઉમેર્યુ.
અંજામ ચૂપચાપ ગાડી ચલાવતા ચલાવતા તેને સાંભળી રહ્યો હતો. સ્વીકૃતિ પણ ચૂપચાપ બંનેને મહેસૂસ કરી રહી હતી.
“મને એ નથી સમજાતુ અંજામ કે શા માટે તુ હજી પણ એ જ ગૂંચવણોમાં ભરાયેલો છે. જાણીજોઈને તું પોતાને કેદ કરીને રાખે છે એ પિંજરામાં. આઝાદ કરી દે ને યાર પોતાને. જીવ પોતાની જિંદગી, આગળ વધ. કોઈ નવી વ્યક્તિ માટે શોધ કર. જિંદગી પણ સરોવરના શાંત પાણી જેવી જ છે. કોઈ પત્થર ફેંકે એટલે વમળ પેદા કરે પણ થોડી વાર રહીને ફરી પોતાના અસલ સામાન્ય રૂપમાં આવી જ જાય છે. એ વ્યક્તિ તો એક વાર પત્થર ફેંકીને જતી રહી છે પણ અહીં તો તને જ જાતે વમળ પેદા કરવા છે. રિલિઝ યોરસેલ્ફ.”, રાજશ્રીના ગળે શોષ પડવા લાગ્યો હતો. એટલામાં જ અંજામે પોતાની કાર સાઈડ પર પાર્ક કરી.
“આવી ગયું તારું ડેસ્ટિનેશન, શ્રી”, અંજામ ધીમા અવાજે બોલ્યો.
“હમ્મ… સોરી”
“શા માટે ???”
“તારો બર્થડે અનઈન્ટેન્શનલિ સ્પોઈલ કરવા માટે”
“છોડ ને યાર… હું એટલા માટે જ ક્યારેય મારો બર્થ ડે નથી મનાવતો, પણ ઈટ્સ ઓકે, ચાલ્યા કરે”, અંજામે ટૂંકો જવાબ આપીને કાર સ્ટાર્ટ કરી.
“બાય… ગુડ નાઈટ”
“ટેક કેર નહિ કહે… રોજ તો મેસેજ આવે જ છે”, અંજામે પૂછ્યું.
“હવે જરૂર નહિ પડે. કોઈ કેર કરવા માટે આવી ગયું છે.” રાજશ્રીએ સ્વીકૃતિ સામે જોઈને અંજામને આંખ મારીને કહ્યું.
“તુ નાલાયક જ રહીશ. નહિ સુધરે…. પણ વાત એમ છે કે હવે વિશ્વાસ નથી થતો કોઈના પર.”
“એ તો મને પણ ન હતો જ્યારે પહેલી વાર એક અજાણ્યા વ્યક્તિ તરીકે તુ મને મળ્યો હતો પણ આજે છીએ ને એકદમ બેસ્ટ ફ્રેન્ડ્સ. જિંદગીનું પણ આવું છે. એક મોકો આપી જો. વિશ્વાસ કરી જો. મને ભરોસો છે કે હવે ભરોસો નહિ તૂટે…બે તિરાડો જ્યારે એક જ રીતે તૂટી હોય ને ત્યારે જેવી તે નજીક આવે કે તરત જ પૂરાઈ જતી હોય છે પણ જરૂર હોય છે તો બસ એક પૂરાણની… એ પૂરાણ તારી પાસે પણ છે અને એ નવી વ્યક્તિ પાસે પણ. તિરાડ ભરાઈ જશે.”, રાજશ્રીએ જવાબ આપ્યો.
“સ્વીકૃતિ… ફ્રન્ટ સીટ પર આવી જા અને સીટબેલ્ટ બાંધી લેજે નહિતર આ જીવ ખાઈ જશે.”, જતા જતા રાજશ્રીએ સ્વીકૃતિને ઓર્ડર આપ્યો, જેની પાછળનો મર્મ અંજામ કે સ્વીકૃતિ બેમાંથી કોઈ પણ સમજી શક્યું નહિ. અંજામે અચાનક પાછા વળીને સ્વીકૃતિ તરફ જોયું પણ ત્યા સુધીમાં તો સ્વીકૃતિ આગળની સીટ પર આવી ગઈ. રાજશ્રી ત્યાં સુધી પોતાના ઘર નજીક પહોંચી ગઈ હતી. તેનું સલામત રીતે ઘેર પહોંચી ગયાનું જાણીને અંજામે કારને સ્વીકૃતિના ઘર તરફ મારી મૂકી.
(ક્રમશ:)