અત્યાર સુધી….
અજાણી વ્યક્તિના ફોનને લીધે સ્વીકૃતિ ચિંતામાં મૂકાઈ જાય છે. બીજી તરફ, અંજામના ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકતાની સાથે જ લાઈક અને કમેન્ટની વણઝાર લાગે છે. બરાબર એ જ સમયે તેના મેસેજ બોક્સમાં નૂર નામની કોઈ છોકરીનો મેસેજ આવે છે અને ધીમે ધીમે વાતચીતમાં બંને વચ્ચે નાની ચકમક ઝરે છે. સમયાંતરે અંજામ અને નૂર વચ્ચે એક વાચક અને લેખક તરીકેનો સંવાદ ચાલતો રહે છે, જે દરમિયાન નૂર ઘણી વાર અંજામને મળવા માટે કહે છે પણ અંજામ માનતો નથઈ. આથી નૂર હવે તેને મળવાના બીજા રસ્તા શોધે છે. હવે આગળ…..
પ્રકરણ 4
ગોલ્ડન ટ્રાયેંગલ કોફી શોપ,
સાંજે 4.00 નો સમય,
આખો કોફી શોપ કાચનો બનેલો હતો. વ્યવસ્થિત ગોઠવાયેલા ટેબલ, ખુરશી અને ફર્નિચર તથા દરેક દિવાલ પર બનેલા મ્યુરલ કોફી શોપની શોભામાં વધારો કરતા હતા. દરેક ટેબલ પર ફ્લાવર વાઝમાં ઓરિજિનલ ગુલાબ અને ઓર્ચિડના ફૂલો મૂકેલા હતા. ડીમ યલો લાઈટિંગ અને ધીમા મધુરા અવાજે વાગતું રાજેશ ખન્નાના રોમેન્ટિક ગીતોનું ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાતાવરણને વધુ માદક બનાવી રહ્યું હતું. એમાં પણ આજથી શરૂ થનારા વેલેન્ટાઈન વીકને લીધે આખો કેફેટેરિયા અલગ અલગ રંગના ગુલાબોથી સજાવેલો હતો. કોર્નર પરના એક ટેબલ પર બેઠો બેઠો અંજામ પોતાની ડાયરીમાં પેનથી કઈંક ટપકાવી રહ્યો હતો. ધીમે ધીમે યંગ કપલ્સ આવીને પોતાની પસંદગીના ટેબલ પર બેસી રહ્યા હતા. વેઈટર્સ પોતાની ફરજ બજાવતા દરેક ટેબલ પર જઈ ગ્રાહકોને વિશ કરીને ઓર્ડર લઈ રહ્યા હતા. જે જે લોકો નિયમિત રીતે કેફેમાં આવતા તેઓ અંજામને ઓળખતા. ક્યારેક તેઓ તેને મળતા પણ ખરા. અમુક પેરેન્ટસ જેવા લોકો પણ તેને મળતા અને તેમના બાળકો સાથે અંજામને એકાદ સેલ્ફી લેવા કહેતા અને અંજામને પણ નાના બાળકો સાથે રહેવામાં મજા પડતી પણ તેની એક શરત રહેતી કે તેના કોઈ પણ ફોટોને ક્યાંય શેર કરવામાં ન આવે. આ બધા પછી પણ અંજામને તેની એકલતા એટલી જ પ્રિય હતી. તે પાછો પોતાના કામ તરફ વળી ગયો.
આજે પણ અંજામ એ જ સમયે એ જ ટેબલ પર બેસીને કઈંક વિચારી રહ્યો હતો પરંતુ તેને કોઈ કડી મળી રહી ન હતી. પહેલેથી જ તેના ટેબલ પર હોટ કોફીના બે ખાલી મગ પડ્યા હતા અને તેણે ત્રીજો કપ લાવવા માટે વેઈટરને ઈશારો કર્યો. વેઈટર ઓર્ડર લઈને ગયો અને એ જ સમયે એક સુંદર, મધ્યમ કદ કાઠી વાળી, લગભગ ત્રેવીસેક વર્ષની છોકરી કેફેમાં પ્રવેશી. લાલ રંગના વન પીસ ગાઉનમાં તેનું સુગઠિત શરીર વધુ સુંદર અને તેની ચહેરા પરની નમણાશ તેની સુંદરતાને ઓર નિખારી રહી હતી. કેફેમાં આવતાની સાથે જ તેની નજર જાણે કઈંક શોધી રહી હતી અને અચાનક જ તેના ચહેરા પર એક સ્મિતની રેખા ઝળહળી જેના લીધે તેના આછા ઘઉંવર્ણા ગાલમાં ખંજન પાડી દીધા અને તરત જ તેણે પોતાના પગ આગળ તરફ વધાર્યા.
*******
કુછ રિશ્તે તાઉમ્ર બેનામ રહે તો હી અચ્છા,
નામ દિયે જાને વાલે રિશ્તે અક્સર બદનામ હો જાતે હૈ
અચાનક જ અંજામનું ધ્યાન પોતાના દ્વારા જ લખાયેલા વનલાઈનર ને કોઈકના મોઢે ઉચરાતા એ તરફ ગયું પણ તેને એ અવાજ જેટલો નજીકથી સંભળાયો એના પરથી તેને અંદાજ આવી ગયો કે કોઈ છોકરી તેના ટેબલ પર આવીને બેસી છે. તેણે એ છોકરી તરફ ધ્યાન ન આપતા પોતાનું કામકાજ ચાલુ રાખ્યું. છોકરીએ હાથ લંબાવીને પોતાની ઓળખ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અધવચ્ચે જ રોકી દેતા અંજામે કહ્યું, “સાંભળો મિસ, હું અહી મારું કામ કરવા આવું છું તો પ્લીઝ મને કરવા દો. હું અહી કોઈ ઓળખાણ કાઢવા નથી આવતો. જો વાત કરવી હોય તો તમે મને ઈન્સ્ટા પર મેસેજ કરી શકો છો.”
“ઈન્સ્ટા પર જવાબ ન મળ્યો એટલે જ અહીં આવવાની અને તમને તકલીફ આપવાની તકલીફ ઊઠાવવી પડી”, છોકરીએ જવાબ આપ્યો.
“અશક્ય… હું દરરોજ રાત્રે નવથી સવા દસ મારા વાચકોને સમય આપું છું.”, અંજામનું ધ્યાન હજી પણ એની ડાયરીમાં જ હતું. તેના ચહેરા પરની રેખાઓથી લાગતું હતું કે આ અચાનક આવી ચડેલી છોકરીની વાતો તેની દ્વિધામાં ઓર વધારો કરી રહી હતી.
બરાબર એ જ સમયે વેઈટર હોટ કોફી લઈને આવ્યો.
“અરે… અરે…., વેઈટ, આ તમે શુ લઈ આવ્યા.. અંજામ હોટ કોફી નથી પીતા. એ હંમેશા હોટ કોફી વિથ આઈસક્રીમ જ ઓર્ડર કરે છે.”, એ છોકરીએ વેઈટરને રોકતા અંજામનું ધ્યાન એ છોકરીના ચહેરા તરફ ગયુ અને એક મિનિટ માટે તેનો નિર્દોષ ચહેરો અને સાદગીભર્યુ રૂપ જોઈને જાણે સ્તબ્ધ બની ગયો પણ બીજી જ મિનિટે તેણે પોતાનું ધ્યાન પાછુ કામ તરફ વાળ્યું.
“એક મિનિટ મેડમ…આ હોટ કોફી મે જ મંગાવી છે અને જરૂરી નથી કે તમે સોશ્યલ મીડિયા પર મારા વિશે સર્ચ કરો અને જે કંઈ માહિતિ મેળવો એ સાચી જ હોય. હું મારી પસંદ સમય અને સંજોગો પ્રમાણે બદલતો રહું છું. હંમેશા એક જ ચોઈસ રાખવી એ મારા સ્વભાવમાં નથી”, અંજામે ઉડાઉ જવાબ આપ્યો.
“આ જ વાત તમે તમારા સ્વભાવ માટે જ લાગુ પાડો તો કેવું રહે… બાય ધ વે, આ મુલાકાતને અહીં જ અંતનો અંજામ આપવો મારા માટે વધારે મુનાસિબ રહેશે. બાય ધ વે આ મુલાકાત હવે થતી જ રહેશે. તમારી ચોઈસ, સમય કે સ્થળમાં થતા ફેરફારથી આ મુલાકાતોને કોઈ ફેર નહિ પડે.”, એ છોકરીએ અધૂરી મુલાકાતના દુખ અને નવી મુલાકાતની આશા સાથે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો.
(ક્રમશ:)