અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા હવે શહેરમાં વધુ ૨૦ એએમટીએસ બસ કન્ડકટર વિના દિશામાં કવાયત હાથ ધરી છે. જેમાં કન્ડકટર વિનાની એએમટીએસ બસમાં મુસાફરોએ પાછળના દરવાજાના બદલે આગળના દરવાજેથી પ્રવેશ કરવો પડશે. જા કે, કડંકટર વિનાની એએમટીએસ બસના કન્સેપ્ટને હજુ એટલી બધી હદે નગરજનો સ્વીકારી શકયા નથી પરંતુ તેમછતાં અમ્યુકો સત્તાવાળાઓ આ નવતર અભિગમને અમલમાં મૂકી તેની લોકપ્રિયતા વધારવા પ્રયત્નશીલ છે.
અગાઉ અમ્યુકો તંત્રના ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ(આઇટીએમએસ) હેઠળ ગત તા.૧લી ડિસેમ્બરથી મણિનગરથી વિનોબાભાવે નગર વચ્ચેના રૂટ નંબર-૧૫/૧માં બંને દરવાજે જનમિત્ર કાર્ડ સ્કેનર મૂકીને શહેરની પ્રથમ કડંકટર વિનાની બસ દોડતી કરી હતી. જા કે, રોજિંદી આવકની દ્રષ્ટિએ આ બસો ડી શ્રેણીમાં એટલે કે, ઓછી આવક ધરાવતી કેટેગરીમાં મૂકી હતી. કડંકટર વિનાની આ બસના રૂટની સરેરાશ આવક રૂ.૧૨૦૦થી રૂ.૧૫૦૦ છે પરંતુ જનમિત્ર કાર્ડ વગરના પેસેન્જર્સને ડ્રાઇવર દ્વાર અપાતી ટિકિટ અને તેના કારણે વેડફાતા સમયથી પેસેન્જર્સ નારાજ થયા હોઇ વકરો ઘટીને ૫૦ ટકા સુધી પહોંચ્યો છે. આમ, રૂટ નં. ૧પ/૧ના પ્રયોગની નિષ્ફળતા બાદ પેસેન્જરલક્ષી નિર્ણય લેવાના બદલે આઇટીએમએસ પ્રોજેકટના અમલીકરણના ઓઠા હેઠળ સત્તાધીશો પ્રજાના ટેકસનાં નાણાંનો બેફામ રીતે વેડફાટ કરી રહ્યા છે.
તંત્રના ખામીયુકત આયોજનથી આજે સંસ્થાની માલિકીની ફકત ૧૦૦ બસ રોડ પર ફરી રહી છે, તેમાં પણ જર્જિરત બસનું પ્રમાણ વધુ હોઇ દરરોજ ૧૦થી૧પ બસ ડેપોમાંથી બહાર નીકળતી નથી. બીજી તરફ ખાનગીકરણના કારણે એએમટીએસનો સમગ્ર વહીવટ ખાનગી ઓપરેટરોના જ હવાલે છે. આના કારણે પેસેન્જર્સની હાડમારીનો પાર નથી. બસના સુવ્યવસ્થિત સંચાલનને મહ¥વ આપવાને બદલે સત્તાવાળાઓ દ્વારા રૂટ નં. ૧પ/૧ બાદ રૂટ નં.૪૦, રૂટ નં. ૬૩/૧ અને રૂટ નં. ૧રપ શટલ એમ વધુ ત્રણ બસ રૂટમાં એક એક કન્ડકટર વગરની બસ દોડતી કરાઇ છે. હાલમાં એએમટીએસ દ્વારા ડી શ્રેણીની આવક ધરાવતા વધુ ૧૬ બસ રૂટને અલગ તારવાઇ રહ્યા છે. આગામી દિવસોમાં આ તમામ બસ રૂટમાં એક-એક કન્ડકટર વગરની બસ દોડતી કરાશે એટલે નજીકના ભવિષ્યમાં શહેરમાં એએમટીએસની કુલ ર૦ રૂટમાં કુલ ર૦ કન્ડકટર વગરની બસ દોડતી થાય તો તેમાં નવાઇ પામવા જેવું નથી, કેમ કે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પાસે વર્તમાન સિસ્ટમમાં ગુણવત્તાલક્ષી ફેરફાર કરવાની આવડત જ ન હોઇ તેઓને રૂડારૂપાળા નામ હેઠળના મોટા પ્રોજેકટને એક અથવા બીજા કારણને આગળ ધરીને કૌભાંડ કરવામાં જ વધુ રસ હોવાનું એએમટીએસના વર્તુળોમાં પણ ચર્ચાઇ રહ્યું છે.