અમદાવાદ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અને વડોદરાના રાજમાતા શુંભાગિની દેવીના હસ્તે વડોદરા ખાતે સયાજી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ચાર હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું સંસ્કારનગરીએ સન્માન કર્યું હતું. આ પહેલા આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ તેઓએ ભોજન લીધુ હતું. સયાજી રત્ન એવોર્ડ સ્વીકાર્યા પછી અમિતાભ બચ્ચન લાગણીશીલ થયા હતા. આ પ્રસંગે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, આજે વડોદરા આવીને મારૂ મન ભરાઇ ગયું છે. વડોદરાની ભૂમી ઉપર ઉતર્યો ત્યારે એવુ લાગ્યુ કે મારા ઘરે આવ્યો છું. અહીં અવારનવાર આવવાનું મન થશે. તમે મને બોલાવતા રહેજો. મારી પાસે તમને ધન્યવાદ કહેવા માટે શબ્દો નથી. ધન્યવાદ શબ્દ પણ નાનો પડે છે. વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવે ઘણા ઉમદા સેવાકાર્યો કર્યા છે. અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, મા-બાપના આશિર્વાદ વગર જીવનમાં ક્યારેય આગળ વધી શકાય નહીં. તેમના આશિર્વાદ હંમેશા સાથે રાખવા જોઇએ. લોકો મા-બાપને તરછોડી દે છે તેવું સાંભળીને મને દુઃખ થાય છે. માતા-પિતાના આશિર્વાદથી જ જીવનમાં સફળતા મળે છે. તેમના આશિર્વાદ વગરનું જીવન અશક્ય છે. બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, મારૂ નામ પહેલા ઇન્કલાબ રાખવામાં આવ્યું હતું તેવું હમણા અહીં કહેવામાં આવ્યું પરંતુ આ વાત ખોટી છે.
૧૯૪૨માં ભારતે છોડો આંદોલન ચાલતુ હતું અને અલ્હાબાદ તેના કેન્દ્રમાં હતું. તે સમયે મારી માતા તેજી બચ્ચનને આઠમો મહિનો જતો. હું ગર્ભમાં હતો. એ સમયે અલ્હાબાદ મોટું સરઘસ નીકળ્યું હતું. મારા માતાશ્રી કોઇને કહ્યાં વીના જ ઘરેથી નીકળીને સરઘસમાં જોડાઇ ગયા હતા. પરિવારજનોને ખબર પડતા મારા માતાશ્રીના પાછા લાવ્યા હતા. આ સમયે કોઇએ મજાકમાં કહ્યું આ છોકરાનું નામ ઇન્કલાબ રાખો. મારૂ નામકરણ તો મહાકવિ સુમિત્રાનંદનજીએ અમિતાભ રાખ્યુ હતું. બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં ૨૦૧૩માં સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
૨૦૧૩માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, ૨૦૧૫માં રતન ટાટાને અને હવે ૨૦૧૮માં સયાજી રત્ન એવોર્ડ આજે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવલખી ગ્રાઉન્ડમાં અને બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના આગમનને લઇને હરણી રોડથી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જોકે રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી રત્ન એવોર્ડ માટે લિવિંગ લેજન્ડ ઓફ ઇન્ડિયા-સમાજમાં આઇકોનિક પ્રતિભા ધરાવતી વ્યક્તિની પસંદગી કરાઈ છે. જેમાં વ્યાપાર, રમત-ગમત, આર્ટ, એજ્યુકેશન, ગવર્નન્સ અને મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનારાનો સમાવેશ કરાય છે. આ એવોર્ડ સેરેમની બાદ વડોદરા, રાજકોટ, અમદાવાદ અને મુંબઇ સહિતના ભારતનાં બીજાં રાજ્યોમાંનાં સ્થાનિક એસોસિયેશનના લોકો પણ આવ્યા હતા.