નવા વિક્રમ સંવતમાં આપ સૌનું મનગમતું શેમારૂમી પણ તમારા માટે નવું રસપ્રદ કન્ટેન્ટ લઈને તૈયાર છે. શેમારૂમીની યુએસપીની જેમ આ નવા વર્ષે ફરી એકવાર ખડખડાટ હાસ્યના ડોઝની સાથે જીવનની માર્મિક વાતો તમારા પરિવાર સુધી પહોંચવાની છે, કારણ કે અમર અને અને તેનો પરિવાર ફરી આવી રહ્યો છે શેમારૂમી પર. જી હા, યમરાજ કોલિંગ વેબસિરીઝને મળેલી શાનદાર સફળતા બાદ હવે શેમારૂમી પર 14 નવેમ્બરથી તેની બીજી સિઝન સ્ટ્રીમ થવાની છે.
પહેલી સિઝનમાં જ્યાં અમર મહેતા જીવનની નાની નાની પળોને જીવતા શીખ્યો હતો, જીવનને માણતા શીખ્યો હતો, ત્યાં આ વખતે એક નવી ધમાલ સાથે અમર મહેતા અને તેનો પરિવાર આપ સૌને મળવા આવી રહ્યો છે. 7 એપિસોડની બીજી સિઝનમાં થીમ પરિવારની સાથે જીવાતી દરેક ક્ષણની વિશે છે. આ વખતે પણ વાર્તા અમર મહેતા અને તેના પરિવાર પર આવતી મુસીબતોની જ છે. ખુશખુશાલ જીવન જીવતા અમરના બાપુજીને બ્રેઈન ટ્યુમર ડિટેક્ટ થાય છે, પરંતુ તેમની સારવાર કરાવવા અમર પાસે પૈસા નથી. બીજી બાજુ, અમરના પુત્ર અભિનું સપનું તૂટે છે, તો અમરની પત્ની અને પુત્રીના પણ પોતાના ટેન્શન છે. આ બધા જ ટેન્શન વિશે બાપુજી ઘર છોડીને જવા તૈયાર થઈ જાય છે. મનામણાં કર્યા બાદ બાપુજી એક શરતે પરિવાર સાથે રહેવા તૈયાર થાય છે. હવે અમરનો પરિવાર આ શરત પૂરી કરી શક્શે કે નહીં? બહાપુજીની સારવાર માટે પૈસા ભેગા થશે કે નહીં, અને મહેતા પરિવાર જીવનના કયા નવા પાઠ શીખશે, એ જાણવા માટે યમરાજ કોલિંગની સિઝન જોવી પડશે. તમે તૈયાર છો મહેતા પરિવારને મળવા માટે?
‘યમરાજ કોલિંગ 2’ને પણ પહેલી સિઝનના ડિરેક્ટર ધર્મેશ મહેતાએ જ ડિરેક્ટ કરી છે. તો વેબસિરીઝમાં ગત સિઝનના કલાકારોની અદાકારીની મજા માણવા મળશે, બસ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. યમરાજ કોલિંગ 2માં દેવેન ભોજાણીની સાથે નીલમ પંચાલ, દીપક ઘીવાલા, મેઝલ વ્યાસ અને મીત વ્યાસ જોવા મળશે.
‘યમરાજ કોલિંગ’થી ઓટીટી ક્ષેત્રે ડેબ્યુ કરનાર દેવેન ભોજાણી બીજી સિઝનને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. તેમનું કહેવું છે કે,’અમર મહેતાનું પાત્ર મારા માટે ખાસ છે. આ પાત્ર ભજવતા હું પણ કંઈક શીખ્યો છું. પહેલી સિઝનને મળેલા પ્રતિસાદ બાદ અમને સૌને બીજી સિઝનનો ઉત્સાહ છે. આશા છે કે આ વખતે દર્શકોને વેબસિરીઝ પહેલા કરતા વધારે ગમશે.’ તો નીલમ પંચાલનું કહેવું છે કે,’પહેલી સિઝન સફળ થાય એટલે બીજી સિઝનમાં જવાબદારી વધી જતી હોય છે. પણ, આ વખતે ફરી વાર્તા જ એટલી સ્ટ્રોંગ છે, કે અમને સૌને વિશ્વાસ છે કે દર્શકોને પહેલી સિઝન જેટલી જ મજા આવવાની છે. અને આ વખતે પણ વેબસિરીઝ મસ્ત મજાનો મેસેજ પણ આપશે જ.’
ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.