ઐસી થી હમારી એસ.એસ.સી.

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હાલ એસ. એસ. સી. બોર્ડની પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીઓને જોઇને મને પણ મારાં ભૂતકાળ અને એ ‘અદ્દભૂત’કાળનાં દિવસો યાદ આવી જાય છે.

એ એવાં ભરપૂર મુગ્ધાવસ્થાના દિવસો હતાં કે, હજી તો આઠમાં ધોરણમાં આવ્યા ત્યાં સુધી તો હું એમ માનતો હતો કે, એસ.એસ.સી. ‘બોર્ડ’ની પરીક્ષા એટલે ‘બ્લેક’બોર્ડ પર લખીને આપવી પડતી પરીક્ષા !

એ દિવસો છોકરીઓને સંતાય-છુપાયને જોવાના દિવસો હતાં. હજી તો સાતમાં-આઠમાં ધોરણમાં હતાં ત્યાં સુધી શેરીમાં રોજ સાંજે સાથે ‘સંતાકલો’દા’ રમતી વેળા ખભો પકડીને સાથે સંતાતી છોકરીઓ, ‘સાંકળ સાત તાલી’ રમતી વેળા હાથમાં હાથ પોરવી દોડતી છોકરીઓ, એકાએકા, ફ્રોક અને સ્કર્ટ મીડીમાંથી સલવાર અને મેક્સીમાં ઢંકાઇને મળતી જોવા મળવા માંડે છે, ત્યારે મને પણ જીજ્ઞાસા થાય છે કે, આ ઢંકાયું તેં શું ? પણ, જવાબ નથી મળતો કે, એને ઢાંકવાનું શા માટે ?

ધીમે ધીમે એની સમજણ પણ વિકસતી જાય છે. અત્યારની તો ખબર નથી, પણ મારા સમયમાં તો ‘પ્રજનન તંત્ર’ ભણાવવા માટે, મારાં લેડી ટીચર પાસે ચેતાતંત્ર જ નહોતું એટલે એક ખડૂસ શિક્ષકે એ પાઠ અમને સાવ નિરસપણે ભણાવ્યો હતો. હું તો એને આજે, એ દિવસોમાં સાવ ઉંઠા જ ભણાવ્યા’તાં, એમ જ કહું ! જે પાઠ નિર્લજ બનીને ભણાવવાનો હોય, એ પાઠ અમને તો અસંખ્ય સવાલો સાથે એકદમ નિરસ બનાવીને ભણાવવામાં આવ્યો હતો.

દસમાંની બોર્ડની પરીક્ષામાં, મારી આગળ બેંચ પર બેઠેલી છોકરી, સફેદ બુશર્ટ પહેરીને આવતી’તી, ત્યારે જીવનમાં પહેલી-પહેલીવાર બ્રાની પટ્ટીઓ એકદમ નજીકથી જોયેલી. ! અત્યારે વિચાર આવે છે કે, આ દસમાની પરીક્ષા સાલી, સોલાહ બરસ કી બાલી ઉંમરમાં શું કામે આવતી હશે ? ! તમે જ કહો, કોઇ એક જ સમયે, એક સાથે, એક જ પરીક્ષાખંડમાં બબ્બે પરીક્ષાઓ આપે તો કેમ કરીને આપી શકે ? !

જો કે, અગિયાર અને બારમામાં અલોપ થઇ ગયેલી, એ બ્રાની પટ્ટીવાળી છોકરી, કોલેજમાં ફરી ભેગી થઇ ગઇ’તી. પછી તો કોલેજમાં અમે બેય ખુબ જ સારાં મિત્રો બનીને રહ્યા. ક્યારેક એને હું ચીડવતો પણ ખરો કે, આઇ સ્ટીલ રીમેમ્બર ધેટ સ્ટીલ હુક એન્ડ બેલ્ટ ! બટ નાઉ ધ સેમ સાઇઝ વિલ નોટ ફીટ !

જીવનમાં પરીક્ષા ક્યારેય પૂરી નથી થાતી. બસ, વિષ, વિષય, આશય અને આશ્રય ….. સમયાંતરે બદલાતાં જતાં હોય છે. અસ્તુ. આ લખ્યું નથી અમસ્તું !,

TAGGED:
Share This Article