અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ડિસેમ્બર મહિનામાં હજુ સુધી ૪૦ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ઝેરી મેલેરિયાના ૨૨, ડેન્ગ્યુના ૮૩ કેસ સપાટી પર આવી ચુક્યા છે. ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં વર્ષ ૨૦૧૮માં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ સુધી ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે.
ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૬૦૦૦૪ લોહીના નમૂનાની સામે ૨૨મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૭૧૬૯૫ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ૨૦૧૮માં ડિસેમ્બર મહિનામાં ૧૬૩૮ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના કેસો ડિસેમ્બર મહિનામાં ૪૦૦ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં આ ગાળા દરમિયાન ઓછા નોંધાયા છે.
હેલ્થ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. નવેમ્બર ૨૦૧૮માં ૯૫ જુદા જુદા ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા. જે પૈકી ૯૧ નમૂના પ્રમાણિત જાહેર થયા છે અને ૧૧૫ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના ડિસેમ્બર ૨૦૧૮ સુધી લેવાયા છે જે પૈકી ૨૩ નમૂના પ્રમાણિત જાહેર થયા છે.