ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતનું અગ્રણી રાજ્ય ગુજરાત હવે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વધતા વ્યાપ અને નિકાસની વિપુલ સંભાવનાઓના પગલે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં નવા 164 યુનિટે લાઇસન્સ મેળવ્યાં છે અને રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 798 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે જ ₹800 કરોડથી વધારે રોકાણ થયું છે.
ગુજરાત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં મહત્તમ યોગદાન આપે છે અને આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. આયુર્વેદ માટે જાગૃતિ વધી છે અને તેથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસો. (ગામા)ના પ્રમુખ પ્રબોધ શાહે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આયુર્વેદ માટેની જાગૃતિ વધી છે અને કેન્દ્ર સરકાર તરફથી સહકાર છે તેના કારણે રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા ઉત્પાદકોને વિવિધ પ્રકારની સબસિડી પણ આપવામાં આવે છે. સંશોધન, મશીનરી, ટેસ્ટિંગ લેબોરેટરી માટે પણ સબસિડી આપવામાં આવે છે.
ઉપરાંત વિદેશમાં અને ભારતમાં આયુર્વેદના પ્રમોશનના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પણ સબસિડી મળે છે.” તેમણે કહ્યું હતું કે આયુર્વેદમાં નિકાસની ઘણી સારી તક છે અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની માંગ ભારતમાં તથા વિદેશમાં બહુ ઝડપથી વધી રહી છે તેથી સતત નવી કંપનીઓ આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે શિડ્યુલ-ટી જીએમપી ફરજિયાત હોવાથી એક યુનિટ સ્થાપવામાં સરેરાશ ₹5 કરોડનું રોકાણ થાય છે. રાજ્યમાં અમદાવાદ તથા આસપાસમાં ચાંગોદર અને સાંતેજ તથા પાલનપુર અને ઊંઝા ઉપરાંત અન્ય શહેરોમાં સતત નવા યુનિટ ચાલુ થઇ રહ્યા છે.