ચોમાસાની ઋતુમાં મગફળીના પાક વાવેતર કરતા ખેડૂતો જોગ સંદેશ
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ દરમીયાન મગફળીનું વાવેતર કરતા ખેડૂતો જોગ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિર્વસિટી, તરઘડિયાના વૈજ્ઞાનિકો દ્વારા વાવેતર માટે અર્ધ વેલડી જીજી-૨૦, જીજી-૨૨, ઉભડી –જીજી-૨, જીજેજી-૩૨, ટીએજી-૨૪, ટીએલજી-૪૫, ટીપીજી-૪૧, ટીજી-૩૭-એ જેવી જાતોની ભલામણ કરાઇ છે.
આ સાથે વાવતેર સમયે સિંગલ સુપર ફોસ્ફેટ ૧૫૬ કી.ગ્રા./હે., એમોનીયમ સલ્ફેટ ૬૨ કી.ગ્રા./હે., અને એરંડીનો ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. અથવા ડી.એ.પી. ૫૪ કી.ગ્રા. અને જીપ્સમ ૫૦૦ કી.ગ્રા./હે. સાથે એરંડીનો ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. પાયામાં આપવો તેમજ ૨.૫ કી.ગ્રા./હે ટ્રાયકોડર્માં ફૂગનો પાઉડર ૫૦૦ કી.ગ્રા./હે એરંડીનાં ખોળ સાથે મિશ્ર કરી પાયામાં વાવણી સમયે આપવો.વાવતી વખતે બિયારણને થાયરમ અથવા મેન્કોઝેબ અથવા વાયટાવેક્ષ દવાનો ૨-૩ ગ્રામ/કી. બીજને પટ આપવો. મગફળીમાં સફેદ મુંડાનાં નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦% ઈસી દવાનો ૨૫ મિલી ૧ કી.ગ્રા. બીજને વાવેતર પહેલા પટ આપવા સુચન કરાયું છે.
ચોમાસુ કપાસનું વાવતેર કરતા ખેડુતો જોગ કૃષિ વૈજ્ઞાનીકોની ભલામણ
ચોમાસુ કપાસનું વાવતેર કરવા ઇચ્છતા ખેડૂતો માટે કપાસ બોલગાર્ડ-૨ ની પ્રમાણિત જાતોમાં વહેલી પાકતી જતો જેવીકે ગુજરાત શંકર-૮,એટીએમ, ફર્સ્ટ ક્લાસ, જાદુ, જય, સરજુ, સુરક્ષા, બળવાન, ભક્તિ, ભદ્રા, આરસીએચ-૭૭૯ તથા મધ્યમ મોડી પાકતી જાતોમાં ગુજરાત શંકર-૬, એગ્રીટોપ-૪૪૪, એગ્રીટોપ-૭૭૭ 4 સોલાર-૭૬, મલ્લિકા,આરસીએચ-૬૫૯, અજીત-૧૫૫નું વાવેતર કરવા તથા વાવેતર સમયે વાવણી લાયક વરસાદ થયે સમયસર વાવેતર કરવું.
કપાસના પાકમાં ઈયળોમાં બીટી જીન સામે પ્રતિકારક શક્તિ ના આવે તે માટે બિયારણના પેકેટ સાથે આપવામાં આવતું નોનબીટી (રેફ્યુઝી) બીજનું વાવેતર અવશ્ય કરવું તથા અનિયમિત વરસાદનું જોખમ ઓછું કરવા કપાસના પાકમાં તલ, મગફળી, સોયાબીન, કઠોળ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતરનું આયોજન કરવું વગેરે જેવી ભલામણ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિર્વસિટી,તરઘડિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરાઇ છે.