વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગઅંધત્વથી પીડાય છે
AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલથી રંગઅંધત્વના કોયડાઓનો ઉકેલ
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગઅંધત્વની ખામી ધરાવતા ધોરણ 12 ના આહાન પ્રજાપતિને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ (યુકે) મળ્યો છે. સમાવિષ્ટ શિક્ષણમાં દીવાદાંડી સમાન AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલના પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યુ છે. નમ્રતા અદાણીના માર્ગદર્શન હેઠળ ચાલતી અદાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં આહાનની પીડા સમજી તેને યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડવામાં આવ્યું હતું.
જન્મજાત લાલ-લીલા રંગ પ્રત્યે રંગઅંધત્વ ધરાવતો આહાન વિજ્ઞાનના વિષયમાં રંગો આધારિત કોયડાઓ, નકશા, સામયિક કોષ્ટકો અને આકૃતિઓ ડીકોડ નહતો કરી શકતો. જો કે, તેના મિત્રો તેની મુંઝવણ સમજી શકતા હતા. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના તેના શિક્ષકો અને માર્ગદર્શકો દ્વારા 17 વર્ષીય આહાનને કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકની છબીઓને અનુકૂલિત કરવાની શોધ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
રંગ-અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકની છબીઓને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાના તેમના સંશોધનને કારણે હવે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા સાથે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.
આહાને ડિઝાઈન કરેલ AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલ 99.7% ચોકસાઈ સાથે નકશાઓ, આકૃતિઓ શિક્ષણ સામગ્રીમાં ફેરફાર કર્યા વિના ડીકોડ કરી શકે છે. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના આહાનનો આ પ્રોજેક્ટ IIT દિલ્હી ખાતે AI અને આરોગ્યસંભાળ પરની ઇન્ડો-ફ્રેન્ચ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ન્યૂ યોર્કમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હાઇ સ્કૂલ રિસર્ચ દ્વારા પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યો હતો.
રંગઅંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓને ઉડ્ડયન, સંરક્ષણ અને એન્જિનિયરિંગમાં કારકિર્દીના વિકલ્પો બંધ થઈ જાય છે. વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગઅંધત્વથી પીડાય છે. જો કે, ઘણીવાર શાળાઓનું તેમાં ધ્યાન બહાર આવતું નથી. આહાનના કિસ્સામાં શાળાએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
મોડલના સફળ પરિક્ષણ માટે આહાને ચાર જિલ્લાઓમાં સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 30 શાળાઓમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને 131 વિદ્યાર્થીઓને રંગઅંધત્વ હોવાનું જાણવા મળ્યું હતું.
આહાન જણાવે છે કે “રંગોથી મૂંઝવણમાં રહેવું અને અવગણના અનુભવવી તે ખૂબ જ આકરું હોય છે. જો મારા આ કામને કારણે એક પણ બાળક સારી રીતે જોઈ અને શીખી શકે, તો હું તેને સફળતા માનીશ, સફળતાની આ યાત્રામાં અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે મને મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.”