આમિર ખાનની મોસ્ટ અવેઈટિંગ ફિલ્મ લાલ સિંઘ ચઢ્ડાને રિલીઝ આડે હવે થોડાક જ અઠવાડિયા બાકી છે. ઓડિયન્સ મિ. પર્ફેક્શનિસ્ટની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સ પણ રોજેરોજ ઈન્ટરનેટ પર ફિલ્મને લગતી રસપ્રદ માહિતી શેર કરતા રહે છે. જેને કારણે હવે આમિરના ફેન્સ ફિલ્મ જોવા ઉતાવળિયા બની રહ્યા છે.
તાજેતરમાં જ આમિર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢાને લઈને ખૂબ જ લાંબી વાતચીત થઈ હતી. જેમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તેમણ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પોતાનું નામ બનાવી ચૂકેલા પ્રતીક ગાંધી આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
તમને એ વાત સાંભળીને પણ આંચકો લાગશે કે જ્યારે પ્રતીક ગાંધીની વેબસિરીઝ સ્કેમ 1992 રિલીઝ થઈ, તે જોયા બાદ આમિર ખાને પ્રતીકને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. પ્રતીક ગાંધીના હર્ષદ મહેતાના રોલને જોઈને આમિર ખાન પણ દંગ રહી ગયા હતા. તો પ્રતીક ગાંધીએ પણ કહ્યું કે તેઓ આમિર ખાનની દંગલ, લગાન, ગજિની, તારે ઝમીન પર સહિત અનેક ફિલ્મોના ફેન છે.
બંને સ્ટાર્સ વચ્ચે થયેલી વાતચીતમાં ગુજરાતી ખાણીપીણી, ગુજરાતની સંસ્કૃતિ અને પતંગ મુદ્દે પણ ઘણી ચર્ચા થઈ. બંને એક્ટર્સના થિયેટર અને ફિલ્મ પ્રત્યેના પ્રેમને કારણે આ મુદ્દે આમિર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ઈન્ટેન્સ ચર્ચા પણ થઈ.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાને આમિર ખાન પ્રોડક્શન હેઠળ કિરણ રાવ અને વાયકોમ 18 સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. જેમાં આમિરની ઓપોઝિટ કરીના કપૂર ખાન જોવા મળશે. આ ઉપરાંત ચૈતન્ય અક્કીનેની અને મોના સિંઘ પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. હોલીવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આ ઓફિશિયલ રિમેક 11 ઓગસ્ટે રિલીઝ થશે.