વડોદરાઃ રક્ષાબંધન આવી રહી છે, ત્યારે બહેન-ભાઇ માટે આ પવિત્ર તહેવારની ઉજવણીને લઇને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર તહેવારની વધુ ઉમદાપૂર્વક અને સામાજિક સુખાકારી રીતે ઉજવણી કરવા માટે વડોદરા શહેરની જાણીતી નેચર વોક ક્લબ દ્વારા એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
રક્ષાબંધનના દિવસે જો તમે આ ભાઇને રાખડી બાંધશો તો તે એવી ભેટ આપશે કે તમારા માટે આજીવન અમૂલ્ય બની જશે. અત્યારના આ આધુનિક યુગમાં પ્રકૃતિની જાળવણી ખૂબ જ અનિવાર્ય બની ગઇ છે. જો રક્ષા બંધનના દિવસે વૃક્ષને રક્ષા કવચ બાંધશો તો તેના તરફથી અમૂલ્ય ભેટ મેળવશો. તો આગળ વધો અને સામાજીક સુખાકારી માટે વૃક્ષોને રક્ષા કવચ બાંધી તેના રક્ષક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીયે.
આપણે સહુ જાણીએ છીએ કે વૃક્ષો સમાજ માટે હિતકારક હોય છે, તેમની દેખરેખ અને સુરક્ષા કરવાની આપણા સહુની નૈતિક ફરજ છે. આવનારા રક્ષાબંધનના તહેવારના અનુસંધાનમાં તથા વૃક્ષોના હિતરક્ષક બનવાના સંકલ્પ સાથે વડોદરાના “નેચર વોક ગ્રુપે” રવિવાર દિનાંક ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વિશ્વામિત્રી નદીના કિનારે કાગળ, કપાસ, કપડા, ઉન, બીજ, ફૂલ અને પાન ઈત્યાદી પ્રાકૃતિક સામગ્રી વડે રાખડીઓ બનાવી, આ રાખડીઓ તેઓ રક્ષાબંધનને દિવસે વડોદરામાં આવેલ દુર્લભ એવા વૃક્ષોને બાંધી તેમની આજીવન સુરક્ષા કરવાના સંકલ્પ લેશે.
આ શુભ કાર્યની શરૂઆત તેમણે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ વૃક્ષોને ફૂલ અને પાંદડીઓથી બનેલી રાખડીઓ બાંધી કરી.
નિહાળો આ પ્રસંગનો વિડીયો.
સંવાદદાતાઃ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે