વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૮૨ વિદ્યાર્થી, જેઓ ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે.
અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, ૧૮૨ વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના ૧૭૯ વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.
ગુજરાતમાં નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.