ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. માતાએ પોતાની ત્રણ પુત્રીઓ સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામે એક માતાએ પોતાની ત્રણ બાળકીઓ સાથે આજે અચાનક ગામના કૂવામાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાંથી માતા અને બાળકીઓને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, તેઓને બચાવી શકાયા ન હતા. કૂવાના પાણીમાં ડૂબી જવાના કારણે માતા અને ત્રણેય પુત્રીઓ એમ ચારેય જણાંના કરૂણ મોત નીપજયા હતા. માતા સહિત ત્રણેય બાળકીઓ મળી કુલ ચારના મોતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
તો, સ્થાનિક ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પણ તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં તપાસ આરંભી હતી. એક સાથે ચારના સામૂહિક આપઘાતને લઇને કારણ જાણવા પોલીસની શોધખોળ શરૂ થઇ ચુકી છે પરંતુ હજુ સુધી કોઇ સંકેત મળી રહ્યા નથી. સામૂહિક આપઘાતની ચર્ચા આજે સમગ્ર પંથકમાં રહી હતી.