સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા. પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો. સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી.
કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોર્તિલિંગનું દેવાલય, આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારીયા, સચિવઓ આલોક પાંડે, ટી. નાગરાજન, દિલીપ રાણા, સોમનાથ કલેક્ટર આઈ.એ. ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
