સુરત: વનની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી પરિવારોના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે આદિવાસીબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. સૂરત જિલ્લાથી ૧૦૦ કિ.મી. દુર ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના વનવાસીક્ષેત્રમાં વસતા જીતેન્દ્રભાઈ રૂપસીંગભાઈ વસાવાએ ઉનાળાના ધોમધખતા તાપમાં પણ સખત મહેનત દ્વારા તરબૂચની ખેતીમાં નવીનતમ ટેકનોલોજીના સહારે સમૃદ્ધિને આંબવા તરફ ડગ માંડ્યા છે.
પાણીની અછત ભોગવતા ઉમરપાડા તાલુકાના આ પ્રગતિશીલ ખેડૂતે ટેકનોલોજીના સહારે તરબુચની ખેતી દ્વારા માતબર ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા આપી છે. જીતેન્દ્રભાઈ કહે છે કે, અમારા વડવાઓ પાંચ એકર જમીનમાં ચણા, ભાત, મગફળીનું વાવેતર કરીને છ મહિનાના અંતરે માંડ ૭ થી ૮ હજારનું ઉત્પાદન મેળવતા હતા. જ્યારે આજે અમો આધુનિક ટેકનોલોજી અને રાજ્ય સરકારની સબસિડીના સુભગ સમન્વય થકી છ મહિનામાં ૭ થી ૮ લાખના તરબુચનું માતબર ઉત્પાદન મેળવીએ છીએ.
અભ્યાસ વિશે વાત કરતા જીતેન્દ્રભાઈ કહે છે કે, હું ધો.૧૨ પાસ કર્યા બાદ સૂરત શહેરમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પણ વર્ષ ૨૦૦૮માં હિરાઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ચારેક વર્ષ નોકરી કર્યા બાદ ૨૦૧૧ના વર્ષમાં કોબી, મરચીનું વાવેતર કરીને ખેતી કરવાની શરૂઆત કરી હતી. ૨૦૧૩ના વર્ષમાં મિત્રની વાડીમાં તરબુચની ખેતી જોઈને અમોએ પણ તડબુચની ખેતી કરવાની શરૂઆત કરી. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ અમારા વિસ્તારમાં ખેડૂતોના જૂથ બનાવીને પ્રવાસ પર લઈ જવામાં આવે છે, જેથી નવી ટેકનોલોજીની માહિતગાર થઈ શકીએ. તેમની પ્રવૃત્તિ પણ અમારા વિસ્તારમાં ઘણી ઉત્સાહવર્ધક હોવાનું તેમણે કહ્યું હતું.
તડબુચની ખેતી વિશે જીતેન્દ્રભાઈ જણાવે છે કે, મલ્ચીંગ વીથ ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી તરબુચનું વાવેતર કરવાથી ઘણો જ ફાયદો થયો છે. વર્ષ ૨૦૧૧માં અમોએ પાંચ એકરમાં ડ્રીપ ઈરીગેશન નાખી, જેમાં રાજ્ય સરકારની ૨.૫૦ લાખ સબસીડી મળી છે. મલ્ચીંગ (પ્લાસ્ટીકનું આવરણ)ના ફાયદાઓ વિશે આ પધ્ધતિના કારણે બે મહિનામાં તરબુચનો પાક તૈયાર થાય છે. જયારે મલ્ચીંગ વગર ત્રણેક મહિના બાદ પાક તૈયાર થાય છે. તેઓ કહે છે કે, મલ્ચીંગથી જમીનજન્ય અને વાતાવરણજન્ય રોગોથી પાકને બચાવી શકાય છે મલ્ચીંગ હેઠળના પાકનો ઝડપી વિકાસ થાય છે અને છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટીકનું આવરણ ભેજ ટકાવીને છોડને તાજો-માજો રાખે છે. પાક નિંદામણથી મુક્ત રહે છે એટલે તંદુરસ્તી સાચવવાની સાથે નિંદામણનો નાશ કરવાનો ખર્ચ બચે છે. રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા મલ્ચીંગ લગાવવા અમોને રૂા.૧૫ હજારની સબસીડી પણ મળી છે. વોટર સોલિબર ખાતરમાં બાગાયતખાતા તરફથી ૨૦ હજાર ખાતર પર ૧૫ હજારની સહાય મળી હોવાનું તેમણે કહ્યું હતું.
જીતેન્દ્રભાઈ પોતાના માતા-પિતા, ત્રણ ભાઈઓના સંયુકત પરિવારમાં રહે છે. તમામ ભાઈઓના સંતાનો સહિત ૧૮ ઘરના સભ્યો ખેતીમાં મદદરૂપ થાય છે.
જીતેન્દ્રભાઈ કહે છે કે, પાંચ એકરમાં ૯૫ ટન જેટલા માતબર તરબુચનું ઉત્પાદન મેળવ્યું છે. ૨૦૧૮ના જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ૨૫-૨૫ દિવસના અંતરે પાંચ એકરમાં છ હજાર જેટલા તરબુચના બીજનું વાવેતર કર્યું હતું. બે મહિના બાદ એપ્રિલ-મે મહિના દરમિયાન લાલચટ્ટાક તરબુચનું ઉત્પાદન મળતું હતું. કિલોદીઠ ૮ થી ૯ રૂપિયા મળવાથી તરબુચનું કુલ રૂા.૮ લાખનું ઉત્પાદન થયું છે. જેમાં ૨.૫૦ લાખ જેટલો મજુરી ખર્ચ બાદ કરતા અંદાજે ૬ લાખનો નફો રહ્યો હોવાનું જીતેન્દ્રભાઈ જણાવે છે. જીતેન્દ્રભાઈએ ગામના જ ચાર ખેડૂતોને તરબૂચની તરફ વાળ્યા છે.