તાબોટા
હજુ તો લોકલ નાયગાંવ પણ નથી પહોચી ને તાબોટાનો અવાજ સંભળાય છે ને મને બ્લુ સાડી યાદ આવી જેને વસઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર જોઈ હતી. તેઓ મને હમેશા અજીબ લાગ્યા છે. ન સમજાય એવા. પણ એવું શા માટે થતું હશે? એમનો દેખાવ. પહેરવેશ. બોલ-ચાલ અલગ છે એટલે? પણ એમાં એમનો શું વાંક કે ભગવાને એમને એવા બનાવ્યા. એ જે હોય તે પણ સાચું તો એ જ છે કે આપણા સમાજમાં એમની કોઈ ગણતરી જ નથી. પણ આવું કેમ થતું હશે? આપણે પ્રાણીને પણ ઘરમાં જગ્યા આપીએ છીએ જયારે આ તો તમારા-મારા જેવા જ જીવ હોવા છતાં પણ જેમના ઘરે એમનો જન્મ થયો હોય છે તેઓ જ એમને તરછોડી દેતા હોય છે. આપણે એટલા અસંવેદનશીલ કેમ કરી થઇ શકતા હોઈશું?
તાબોટાનો અવાજ નજીક આવતો જતો હતો ને કંપાર્ટમેન્ટમાં રહેલ લોકોના એક્ષપ્રેશન બદલાય રહેલ હતા. કોઈ આંખો બંધ કરી ઊંઘી રહ્યાનો દેખાવ કરી એનાથી બચવાને તૈયાર થઇ રહેલ હતું તો કોઈ વળી જાણે કઈ પડી જ નથી એમ જતાવી રહેલ હતું. પણ બધાના મનની પરિસ્થિતિ એક જેવી હતી કેમકે બધાને ખબર હતી કે એ તાબોટાનો હાથ આગળ આવીને ઊભો રહેશે. હા એ ખરું કે એને આપણે કઈ આપવું કે નહિ એ મનની વાત છે પણ મોટે ભાગે રોજ આવવા જવાવાળા હોય છે ને એ પણ મંથલી પાસથી. તે કઈ રીતે રોજ એ હાથ ને ભરી શકે? એમના ખુદનાં ગજવામાં પણ તો ભાર હોવો જોઈએને. તેઓની આંખો મળે છે તો એક જેવીજ લાચારી બંનેમાં જોવા મળે છે. પણ તાબોટા એને નજર અંદાજ કરી આગળ વધી જાય છે માથે હાથ ફેરવી. કોઈ હાથ એને દેવાને એના તરફ લાંબો થાય છે તો એને અંતરનાં આશિષ આપે છે.
ત્યાંજ મારી આગળ ભૂરી બંગાળીઓ પહેરેલ હાથ લંબાય છે. એના હાથની રેખાઓ સ્પષ્ટ દેખાય આવતી હતી પણ હુ એને સમજવાને સમર્થ ન હતો એટલે એ હાથ જ્યાંથી આવ્યો એ તરફ આંખો ઊંચી કરી તો એક મર્દાના પણ કોમળ ઘઉંવર્ણો ચહેરો નજરે આવ્યો. જેના હોઠોની લાલ લાલી ધ્યાન ખેચી રહેલ હતી પણ આંખો એનાથી પણ ધારધાર હતી. હું બૂત બની જોતો રહ્યો પણ મારો હાથ ગજવા સુધી ન ગયો પણ હા એનો હાથ મારા માથે જરૂરથી ફરી ગયો જેમાં એક અજબનું વહાલ હતું જેને હું જરૂરથી અનુભવી શક્યો.
બોરીવલી આવ્યું ને એ ઊતરી ગયો ને ભીડમાં ખોવાય ગયો પણ એ ભૂરી સાળી ને તાબોટા હજુ પણ મારાં આંખ-કાન આગળ ફરી રહ્યા હતા. સાથે ઘણા બધા સવાલોનાં ફણગા ફૂટી રહ્યા હતા કે એમણે આમ કેમ જીવવું પડતું હશે? માંગીને કેમ ખાવું પડતું હશે? એમનો સમાજમાં સ્વીકાર કેમ નથી? તેઓ ભણી કેમ નથી શકતા? તેઓને કામ-ધંધો-નોકરી કેમ નથી મળતી? છે તમારી પાસે જવાબ? કે પછી તમારા કાનમાં પણ મારી જેમ માત્ર તાબોટાનો અવાજ ઘુમરાય છે?