દરેક વ્યક્તિનું એક રૃટિન હોય છે. દરેકની એક આગવી લાઈફ સ્ટાઈલ હોય છે અને દરેક વ્યક્તિ તેની સગવડ અને આદતો પ્રમાણે કંઈક કંઈક વસ્તુઓ પોતાની સાથે રાખતી હોય છે. આજે આપણે આ વસ્તુઓ વિશે વાત કરીશું.
તમારો રૂમ, તમારો બેડ, તમારી બેગ, તમારું વોલેટ કે તમારા મોબાઈલમાં પણ એવી કેટલીય વસ્તુઓ પડી છે, જે માત્ર જગ્યા ભરવા માટે છે. મિત્રો આજે નજર કરી જો જો તમારી આસપાસ. તમે ધ્યાનથી જોશો તો તમને એવી અઢળક વસ્તુઓ મળી રહેશે જે તમારા ઉપયોગની નહીં હોય….અથવા તો કોઈક વખત કામમાં આવી જાય તેવા વિચારે સંગ્રહી રાખી હશે. આ બધી વસ્તુઓ રોજ આપણે સાથે રાખીને ચાલીએ છીએ. આ તમામ વસ્તુનો બોજ આપણી ઉપર રહે છે તેમ કહીએ તો પણ ખોટુ નથી. શરૂઆત રૂમથી કરીએ…દશરથભાઈનાં રૂમમાં એક પલંગ અને એક ખુરશી ટેબલ હતા. નાનકડા રૂમમાં તે એકલા રાત્રે સૂવા આવે એટલે પલંગનો એટલો જ વપરાશ અને બાજુનાં ખુરશી ટેબલ પર બેસીને ક્યારેક છાપુ કે ગીતા વાંચે. એક દિવસ તેમની પુત્રવધુને ઘર સજાવાનો રંગ ચઢ્યો. તેને લાગ્યુ કે સસરાજીનાં રૂમમાં ખાલીપો વધારે છે. તેથી કોઈ આવે તો સારું લાગે તે માટે મોટા મોટા બે ત્રણ પુસ્તકો ખરીદીને ટેબલ પર સજાવી દીધા. બાજુમાં એક ફુલદાની પણ ગોઠવી. હજી સુશોભન ખૂટતુ હતુ, તેથી નાની ઘડીયાળવાળું પેનસ્ટેન્ડ લાવીને મૂક્યુ. વાતને દસકો વિતી ગયો…આજે એ રૂમમાં પીન્ટુ ભણવા બેસે છે. રોજ બીચારો સ્કૂલબેગ મૂકવા જગ્યા શોધે છે…તેની સામે જ વર્ષોથી પેલી ફૂલદાની અને પેનસ્ટેન્ડ છે, જે ખસેડી દે તો જગ્યા થઈ શકે તેમ છે. સામે પડેલી વસ્તુ જે નજર સામે તો છે, પણ તેમને ક્યારેય વિચાર જ નથી આવતો કે તે ખસેડીને જગ્યા કરી દઈએ. તે વસ્તુઓ તેમના રૂટિનમાં તેવી વણાઈ ગઈ છે કે તે પ્રત્યે એટલા સજાગ નથી કે આ હટાવી પણ શકાય.
દર્શના કેટલાય દિવસથી પપ્પાને કહે છે કે મને મોબાઈલમાં એક્સ્ટ્રા મેમરીકાર્ડ જોઈએ છે કેમકે મારા મોબાઈલમાં મેમરી ફુલ થઈ ગઈ છે. જો થોડો વિચાર કરીને મોબાઈલને જુએ તો ખબર પડે કે કેટલીય એપ્લીકેશન ડાઉનલોડ કરીને રાખી છે જેનો ક્યારેય ઉપયોગ પણ કરતાં નથી. જો તે સ્પેસ ખાલી કરે તો પણ જગ્યા થઈ શકે.
ખાસ કરીને પર્સ કે વોલેટ. કોઈએ તમને વિઝિટિંગ કાર્ડ આપ્યુ. પર્સમાં મૂક્યું. કોઈ જગ્યાનું એડ્રેસ કાગળમાં લખીને વોલેટમાં મૂક્યુ…પછી તે કામ પતે વર્ષો નીકળી જાય તો પણ એ કાગળીયુ પર્સમાં જ રહી જતુ હોય છે. ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે તમે કોઈ હોટલમાં જમવા ગયા હોય અને તેનું બીલનું કાગળીયુ પણ આપણે ડિસ્ટ્રોય કરવાને બદલે પર્સમાં પડી રહે છે. પેટ્રોલ કે શોપિંગ મોલનાં બિલ જેની પ્રિન્ટ પણ દેખાતી ન હોય તેવા કાગળ પણ આપણાં પર્સમાં જોવા મળે છે. કેટલાકનાં પર્સમાં તો ચોકલેટ કે ગિફ્ટનાં રેપર પણ વર્ષોથી પડેલા હશે. આપણે પર્સમાં નવુ નવુ ઉમેરીએ તો છીએ પણ તેને સમયાંતરે ખાલી કરીને ચેન્જ નથી કરતા પરિણામે આ વસ્તુનો ભાર આપણ વર્ષો સુધી સાથે લઈને ફરીએ છીએ.
ચલો લાઈફ ઓર્ગેનાઈઝ કરવાની શરૂઆત આવી નાની નાની વસ્તુથી કરીએ.