રોજ સવારની જેમ આજે પણ હું મેટ્રો સ્ટેશન પર પહોંચીને દિયાની રાહ જોવા લાગ્યો… તે રૂટિન પ્રમાણે ચાંદની ચોકથી બેસીને કશ્મીરી ગેટ પર આવતી… અહીં તેની બહેનપણીઓની રાહ જોતી. હા, આમ તો તે ત્યાં બહેનપણીઓની જ રાહ જોતી. તેની બધી ફ્રેન્ડ બરાબર અડધા કલાક પછી આવતી… ત્યાં સુધી તે મારી સામે જોયા જ કરતી. ક્યારેય મારી સાથે વાત ન કરતી… લગભગ દસેક દિવસ આવુ ચાલ્યુ… એક દિવસ તો દોઢ કલાક ઉપર થઈ ગયુ તેમ છતાં તેની કોઈ ફ્રેન્ડ ન આવી… હું હિંમ્મત કરીને તેની પાસે ગયો અને મેં પુછ્યુ કે શું વાત છે આજે તમારી કોઈ ફ્રેન્ડ હજી સુધી નથી આવી… ત્યારે તેને જવાબ આપ્યો કે આજે રવિવાર છે તો ઓફિસ બંધ છે… આટલુ સાંભળતા જ મને મારી ગ્રીન સિગ્નલ મળતી દેખાઈ… હજી હું તેને કંઈ પુછુ તે પહેલા જ તેણે પુછી લીધુ કે તમે આજે અહીં કેમ…? મેં માત્ર એટલુ જ કહ્યું કે મને ખબર હતી કે તમે આજે પણ આવશો અને ટ્રેકની આ બાજુ મારો ચહેરો શોધશો… એટલે આવી ગયો.
આ રીતે થઈ અમારી મિત્રતાની શરૂઆત… ત્રણ મહીનામાં આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ તે ખબર જ ન પડી… એકબીજાનું એટ્રેક્શન તો હતુ જ, પણ તે લાઈફટાઈમવાળા પ્રેમ સુધી ચાલશે તે ખબર નહોતી… રોજેરોજ મળવાનું વધવા લાગ્યુ…રવિવારનો દિવસ તો એકબીજાને જોયા વગર પરાણે નીકળતો… સોમવારે એક કલાક પહેલા આવીને એકબીજાની રાહ જોવા બેસી જતા… જઈએ ત્યારે ખબર પડે કે રાહ નહીં પડે, બંને વહેલા જ આવી ગયા મળવા માટે. એક દિવસ મને થયુ કે હું તેને લગ્ન માટે પૂછી જોઉ… મેં તેને ફોન કર્યો કે આવતી કાલે તુ ઓફિસમાંથી રજા લઈ લે… આપણે બહાર ફરવા જઈશું અને હું તને ત્યાં એક વાત કહેવા માંગુ છું… આખી રાત હું બેચેન રહ્યો… કેવી રીતે કહીશ એને કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું… કાલે કેવા કપડાં પહેરીને જઉ… તેના માટે શું ગિફ્ટ લઈ જઉ… વગેરે વગેરે સવાલોએ મને રાતભર સૂવા ન દીદો.
બીજા દિવસે હું દોઢ કલાક વહેલા જઈને સ્ટેશન પર બેસી ગયો. ત્રણ કલાક વિતી ગયા છતાં તે ન આવી…મારી આંખો તેને શોધતી હતી… તેનો ફોન પણ ઓફ હતો… હવે તો ચિંતા થવા લાગી હતી… એટલામાં તેની એક ફ્રેન્ડ આવીને મને ચિઠ્ઠી હાથમાં આપીને સડસડાટ ત્યાંથી નીકળી ગઈ.
મારી હિંમ્મત ન થઈ ચિઠ્ઠીને ખોલીને જોવાની… ચાર કલાક તે જ સ્ટેશન પર ચિઠ્ઠીને હાથમાં લઈને ગભરાતો રહ્યો. ધીરજનો અંત આવતા નેગેટિવ વિચારો પર કન્ટ્રોલ કરીને ભારે દહયે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યુ હતુ કે મને ખબર છે કે આજે તમે મને શું કહેવાના છો… મારે તમારી આ વાતનો જવાબ નથી આપવો એટલે હું આજે નથી આવી પણ તમારી ભલાઈ એમાં જ છે કે તમે ઘરે જાવ અને આગળની લાઈફ વિશે વિચારો.
ત્રણ વર્ષે આ વાત વિચારું છું તો મારા શરીરમાં કંપન્ન ઉઠે છે… બસ એ જ વિચાર આવે છે કે સારું થયુ એ દિવસે હું ઘરે આવી ગયો હતો… આટલું બોલતા જ દિયાએ તેના ખભા પર હાથ રાખ્યો અને બંને હસી પડ્યા. (એ દિવસે દિયા તેના પરિવાર સાથે મારા ઘરે આવીને બેઠી હતી અને મારી મમ્મીએ તેને શગુનનું નાળિયેર પણ આપી દીધુ હતુ… બસ બધા મારી જ રાહ જોતા હતા. આજની આ કોસ્મોપાલિટન છોકરીઓ આટલી ફાસ્ટ હશે તે મને નહોતી ખબર.)
- પ્રકૃતિ રાવલ