ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયના કામમાં જોતરાઇને જન અભિયાનથી તળાવ ઉંડુ કરવાનું કાર્ય હાથ ધરી અનેરૂ ઉદાહરણ પુરું પાડયું છે. જાખોરા ગામમાં રૂપિયા ૧.૨૬ લાખના ખર્ચે તળાવ ઉંડુ કરવાની જવાબદારી ગામની સહકારી મંડળીએ ઉપાડી લઇને બે જેસીબી મશીન, ૪ ડમ્પર અને ૪ ટ્રેકટર દ્વારા જળ સંચયનું કામ હાથ ધર્યું છે. આ કામ પંદર દિવસમાં પૂર્ણ કરાશે. જેનાથી ૧.૨૫ મિલીયન કયુબિક ફીટ પાણીનો સંગ્રહ થશે.
રાજયના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિઘ અને ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જાખોરા તળાવ ઉંડુ કરવાના કામનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે જણાવ્યું હતું કે, જળ સંચય અભિયાન રાજયભરમાં જન આંદોલન બન્યું છે, જેનું ઉદાહરણ આ નાનકડું જાખોરા ગામ છે. રાજય સરકારની સહાય લીધા વગર સ્વયંભુ ગ્રામજનોએ આ તળાવ ઉંડુ કરવાનું કાર્ય કરવા બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નાનકડું આ જાખોરા ગામ આર્થિક રીતે વઘુ સદ્ધર બને અને મનરેગા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓની મદદથી આ ગામમાં વધુ સારા કામો કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, જાખોરા ગામનું સીમતળનું પાણી સીમમાં રહે અને વ્યર્થ વહી ન જાય તથા વરસાદી પાણી અટકાવવા જાખોરાના ગ્રામજનો જાગૃત બન્યા છે. જાખોરા ગામે ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે પણ સારી પ્રગતિ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના માસ્ટર પ્લાન મુજબ લોકભાગીદારી સાથેના કુલ-૨૫૫ કામો પૈકી કુલ-૧૩૮ કામો લોકભાગીદારીથી હાથ ધરવાના હતા. જયારે બાકીના ૧૧૭ કામો જુદા જુદા વિભાગો દ્વારા કરવાનું આયોજન છે. તે પૈકી આજ સુધીમાં ૨૨૮ કામો પ્રગતિમાં છે. જયારે ૨૨ કામો પૂર્ણ થયેલ છે. ગાંધીનગર તાલુકાના ૫૦ તળાવો અંદાજીત રૂ. ૬૩ લાખના ખર્ચે ઉંડા કરવાનું આયોજન હાથ ધર્યું છે. આ તળાવ ઉંડા થતા ૨.૧૦ લાખ ઘનમીટર માટીનો જથ્થો ઉપલબ્ધ થશે. આ માટી પ્રત્યેક ગામના ખેતરોમાં જમીન સુધારણા માટે, જમીનને સમતળ બનાવવા, તળાવના પાળા ઉંચા કરવા, ગામના જાહેર સ્થળો અને રસ્તાઓને સમતળ કરવાના ઉપયોગમાં લેવામાં આવશે.